Smriti Mandhana marriage postponed: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના અને જાણીતા સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ લગ્ન રવિવારે યોજાવાના હતા અને તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ, લગ્નના મુહૂર્ત પહેલા જ એક દુઃખદ ઘટના બની હતી. સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને અચાનક હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. પિતાની ગંભીર નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને બંને પરિવારોએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

Continues below advertisement

ખુશીનો માહોલ ચિંતામાં ફેરવાયો

રવિવારે સવારે જ્યારે મંધાના પરિવારમાં લગ્નની શરણાઈઓ ગુંજવાની તૈયારી હતી, ત્યારે અચાનક સ્મૃતિના પિતાની તબિયત લથડી (Smriti Mandhana father heart attack) હતી. મળતી માહિતી મુજબ, સ્મૃતિ મંધાનાના ફાર્મહાઉસ પર, જ્યાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં જ તેમના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ઘટનાસ્થળેથી એક એમ્બ્યુલન્સ નીકળતી જોવા મળી હતી, જેનાથી સ્પષ્ટ થયું હતું કે કોઈ મેડિકલ ઈમરજન્સી સર્જાઈ છે. આ ઘટનાને કારણે લગ્નસ્થળ પર ઉત્સાહનું વાતાવરણ ગમગીનીમાં ફેરવાઈ ગયું હતું.

Continues below advertisement

લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય

શરૂઆતમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે તબીબી સારવાર બાદ લગ્ન નિર્ધારિત સમયે આગળ વધશે. જોકે, પિતાની સ્થિતિને (Shrinivas Mandhana health update) ધ્યાનમાં રાખીને આયોજકો અને પરિવારજનોએ હવે સ્પષ્ટતા કરી છે કે લગ્ન હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે. ડૉક્ટરોની સલાહ મુજબ, શ્રીનિવાસ મંધાનાને હજુ સારવાર અને નિરીક્ષણ માટે હોસ્પિટલમાં રહેવું પડશે. પિતા હોસ્પિટલના બિછાને હોય તેવી સ્થિતિમાં લગ્નનો પ્રસંગ યોજવો શક્ય ન હોવાથી આ કઠિન નિર્ણય લેવામાં આવ્યો છે.

પલાશ મુચ્છલ સાથે લેવાના હતા સાત ફેરા

ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના બોલિવૂડના સંગીતકાર અને દિગ્દર્શક પલાશ મુચ્છલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી હતી. આ જોડી લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને ચાહકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. હાલમાં સ્મૃતિ અને તેમનો પરિવાર પિતાના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે અને લગ્નની નવી તારીખ પિતાના સ્વસ્થ થયા બાદ જાહેર કરવામાં આવશે.