Social Media Accounts Linking With ID Cards : આધાર કાર્ડ અને પાન કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. હવે કેન્દ્ર સરકારે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટને આધાર અથવા સરકાર દ્વારા જારી કરાયેલ અન્ય કોઈપણ ઓળખ કાર્ડ સાથે લિંક કરવાની યોજના બનાવી રહી છે કે કેમ તેને લઈને પ્રશ્ન ઉઠ્યો હતો. જોકે આવી કોઈપણ પ્રકારની યોજનાને કેન્દ્ર સરકારના મંત્રીએ સંપૂર્ણ રીતે નકારી કાઢી છે.
કેંદ્રીય માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી.
લોકસભાના સાંસદ ફિરોઝ વરુણ ગાંધીએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાનને પૂછ્યું હતું કે, શું કેન્દ્ર સરકાર ફેસબુક, ટ્વિટર અથવા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટને માન્યતા આપવા માટે સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ સાથે લિંક કરવાનું વિચારી રહી છે? ફિરોઝ વરુણ ગાંધીના આ પ્રશ્નનો લેખિતમાં જવાબ આપતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ નથી.
તેમણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ગુમનામ ઉપયોગ ચાલુ છે અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સમક્ષ કોઈ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટને સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ સાથે લિંક કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.
જ્યારે સોશિયલ મીડિયા ક્રાઈમ સંબંધિત નોંધાયેલા કેસો અને આવા કેટલા કેસનું સમાધાન થયું છે તે અંગે પૂછવામાં આવતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, NCRB સોશિયલ મીડિયા ક્રાઈમ સંબંધિત ડેટા બેઝને પોતાની પાસે સાચવીને નથી રાખતું. જો કે, NCRB મુજબ, 2019માં 85 સાયબર ક્રાઈમ, 2020માં 149 અને 2021માં 123 નકલી પ્રોફાઈલ સંબંધિત કેસ નોંધાયા હતા.
તેમણે કહ્યું હતું કે, સરકારનું ધ્યેય ડિજિટલ નાગરિકને ઓપન, સલામત, વિશ્વસનીય અને જવાબદાર ઈન્ટરનેટ પૂરું પાડવાનું છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં 50 લાખથી વધુ નોંધાયેલા યુઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે 24*7 સંકલન માટે ફરિયાદ અધિકારી, મુખ્ય અનુપાલન અધિકારી અને નોડલ સંપર્ક વ્યક્તિની નિમણૂક કરવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, સરકારે IT નિયમો 2021 હેઠળ યુઝર્સ માટે અપીલ કરવા માટે ત્રણ GAC (ગ્રિવેન્સ એપેલેટ કમિટી)ની રચના કરી છે, જ્યાં સોશિયલ મીડિયાના ફરિયાદ અધિકારીના નિર્ણય સામે અપીલ કરી શકાય છે.