વિદ્યાર્થીઓ ક્લાસના બદલે સડકો પર, મુશ્કેલીમાં છે દેશઃ સુનીલ ગાવસ્કરનું નિવેદન
abpasmita.in | 12 Jan 2020 07:57 AM (IST)
26મા લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું, આપણા કેટલાક યુવાનો ક્લાસમાં રહેવાના બદલે સડકો પર છે. તેમાંથી કેટલાક હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે દેશની વર્તમાન સ્થિતિને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, દેશમાં ઉપથ-પાથલ છે. આજે વિદ્યાર્થીઓ ક્લાસના બદલે સડકો પર ઉતરી આવ્યા છે. 26મા લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું, આપણા કેટલાક યુવાનો ક્લાસમાં રહેવાના બદલે સડકો પર છે. તેમાંથી કેટલાક હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. કુલ મળીને બહુમતી વર્ગ હજુ પણ અભ્યાસમાં કરિયર બનાવવા અને ભારતને આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું, એક જૂથ થઈને ઘણું આગળ વધી શકાય છે. અહીં રમત આપણને શિખવાડે છે. જ્યારે આપણે સાથે હોઈએ ત્યારે જીતીએ છીએ. ભારત પહેલા પણ અનેક સમસ્યાઓનો સામનો કરી ચુક્યો છે અને આમાંથી પણ છુટકારો મેળવી લેશે. દેશભરમાં અનેક જગ્યા પર નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરાને લઈ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન અનેક યુવા વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યા. પ્રદર્શન દરમિયાન હિંસા પણ થઈ. દિલ્હીની જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સીએએ અને એનઆરસીનો વિરોધ કરવા સડક પર ઉતર્યા હતા. થોડા દિવસો પહેલા દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં હિંસા જોવા મળી હતી. જેએનયુમાં કેટલાક બુરખાધારીએ કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન અનેક સ્ટુડન્ટ ઘાયલ થયા હતા. ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે આજે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, ધોની પર રહેશે નજર