નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશમાં કોરોના વાયરસ સામે લડાઈને કરવામાં આવેલા પ્રબંધો પર ચિંતા વ્યક્ત કરી હતી અને બીજેપી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું, જ્યારે દેશમાં બધાએ મળીને કોરોના વાયરસ સામે લડવું જોઈતું હતું તે સમયે બીજેપી નફરતનો વાયરસ ફેલાવી રહી છે.


સોનિયા ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોંગ્રેસ વર્કિંગ કમિટીને બેઠકને સંબોધન કર્યુ હતું. જેમાં કોંગ્રેસના અનેક મોટા નેતા અને પદાધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ જે પણ સૂચન આપ્યા તેના પર કેન્દ્ર સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી.

તેમણે કહ્યું, દેશમાં કોરોના વાયરસના જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તે પૂરતા નથી. ટેસ્ટનું પ્રમાણ વધારવાની જરૂર છે. સરકાર રેપિડ ટેસ્ટ કરાવવામાં પણ ખાસ સફળ રહી નથી.

સોનિયા ગાંધીએ કહ્યું, સરકાર સ્વાસ્થ્ય કર્મીઓને સારી ક્વોલિટીની પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી છે.