દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં સામેલ કરવાને લઈને મોટો નિર્ણય લીધો છે. કોર્ટે ભારતીય નાગરિકતા મેળવ્યા વિના મતદાર યાદીમાં તેમનું નામ સામેલ કરવાના આરોપમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે કથિત તરીકે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કર્યા અગાઉ તેમનું નામ નવી દિલ્હીની મતદાતા યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. કોર્ટ આ સમગ્ર મામલે આગામી સુનાવણી 6 જાન્યુઆરી 2026 કરશે.
નાગરિકતા સાથે જોડાયેલો આ વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે વકીલ વિકાસ ત્રિપાઠી અદાલતમાં રિવીજન પિટીશન દાખલ કરી હતી. તેમનો આરોપ છે કે સોનિયા ગાંધીને 30 એપ્રિલ 1983ના રોજ ભારતની નાગરિકતા મળી હતી પરંતુ તેના ત્રણ વર્ષ અગાઉ એટલે કે 1980ની મતદાતા યાદીમાં તેમનું નામ પહેલાથી નોંધાયેલું હતું. અરજીકર્તાનું કહેવું છે કે મતદાતા યાદીમાં તેઓનું નામ ફક્ત ત્યારે જ સામેલ કરી શકાય છે જ્યારે તેમની પાસે ભારતીય નાગરિકતા હોય તેથી 1980ની યાદીમાં એન્ટ્રી શંકા પેદા કરે છે.
સોનિયા ગાંધી વિરુદ્ધ અરજી દાખલ
અરજદાર વિકાસ ત્રિપાઠીએ સોનિયા ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની વિનંતીને ફગાવી દેવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકાર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સોનિયા ગાંધીનું નામ 1980માં નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, જોકે તેઓ 1983 માં ભારતીય નાગરિક બન્યા હતા. અરજીમાં જણાવાયું છે કે આ સૂચવે છે કે તેમનું નામ પહેલીવાર ઉમેરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.
વિકાસ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે આ કેસ એક દખલપાત્ર ગુનો છે અને FIR નોંધાવી જોઈએ. એડિશનલ ચીફ ન્યાયિક મેજિસ્ટ્રેટ (ACMM) વૈભવ ચૌરસિયાએ 11 સપ્ટેમ્બરના રોજ આપેલા આદેશમાં અરજીને ફગાવી દીધી હતી.
ACMM એ જણાવ્યું હતું કે મતદાર યાદી સંબંધિત મુદ્દાઓની તપાસ કોર્ટના અધિકારક્ષેત્રની બહાર છે અને આમ કરવાથી બંધારણની કલમ 329નું ઉલ્લંઘન થશે, કારણ કે બંધારણીય સંસ્થાઓને આ બાબતોની દેખરેખ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિણામે, ત્રિપાઠીએ કોર્ટમાં નવી અરજી દાખલ કરી અને સોનિયા ગાંધીને નોટિસ જાહેર કરવામાં આવી હતી.
કોર્ટે સોનિયા ગાંધી પાસેથી જવાબ માંગ્યો
રાઉઝ એવન્યુ કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે જેમાં સોનિયા ગાંધી વિરુદ્ધ નાગરિકતા મેળવ્યા વિના મતદાર યાદીમાં તેમનું નામ કથિત રીતે છેતરપિંડીથી સામેલ કરવા બદલ દાખલ કરાયેલી રિવીઝન પિટીશન પર જવાબ માંગવામાં આવ્યો છે. અરજદારે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ 30 એપ્રિલ, 1983ના રોજ નાગરિકતા મેળવી હતી, જ્યારે તેમનું નામ 1980ની મતદાર યાદીમાં સામેલ હતું. અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે 1980 ની નવી દિલ્હી મતદાર યાદીમાં તેમનું નામ કેવી રીતે સામેલ કરવામાં આવ્યું.
સોનિયા ગાંધીનું નામ 1982માં કાઢી નાખવામાં આવ્યું હતું. તેને મતદાર યાદીમાંથી કેમ કાઢી નાખવામાં આવ્યું? અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે 1983માં જ્યારે તેમણે નાગરિકતા મેળવી ત્યારે 1980ની મતદાર યાદીમાં તેમનું નામ કયા દસ્તાવેજોના આધારે સામેલ કરવામાં આવ્યું હતું અને શું બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.