National Herald Case : નેશનલ હેરાલ્ડ કેસ અને મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે ઇન્ફ્રોર્સમેન્ટ ડિરેક્ટોરેટ - ED એ લાંબી પૂછપરછ કરી હતી. આ દરમિયાન એવા પણ સમાચાર મળ્યા હતા હતા કે EDએ પૂછેલા ઘણા પ્રશ્નોના જવાબ રાહુલ ગાંધી આપી શક્યા ન હતા. હવે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ED દ્વારા આ કેસમાં આવતીકાલે 14 જૂને પણ રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવશે. ન્યુઝ એજેન્સી ANIએ સૂત્રોના આધારે આ સમાચાર આપ્યા છે.
આજે બે રાઉન્ડમાં રાહુલ ગાંધીની પૂછપરછ થઇ
દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોના વિરોધ વચ્ચે EDએ આજે વાયનાડના સાંસદની પૂછપરછ કરી હતી.આજે સવારે 11 વાગ્યે પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. બપોરના 2.15 કલાકે લંચ બ્રેક માટે પૂછપરછનો પ્રથમ રાઉન્ડ સમાપ્ત થયો હતો.
કોંગ્રેસ નેતા રાષ્ટ્રીય રાજધાનીમાં સર ગંગારામ હોસ્પિટલની મુલાકાત લીધા પછી તેમના નિવાસસ્થાને પરત ફર્યા, જ્યાં તેમની માતા અને પક્ષના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને કોવિડ-સંબંધિત મુદ્દાઓને કારણે દાખલ કરવામાં આવ્યા છે. લગભગ 3.45 વાગ્યે રાહુલ ગાંધી તપાસના બીજા રાઉન્ડમાં ફરી જોડાયા પછી તેમની પૂછપરછ ફરી શરૂ થઈ.
અશોક ગેહલોતે સરકાર પર કર્યા પ્રહાર
આ મામલે વાત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દિલ્હીમાં રાહુલ ગાંધીના સમર્થનમાં કહ્યું કે આ પ્રકારનું વર્તન સારું નથી, દેશના લોકોને તે ગમશે નહીં. જો કાયદો અપનાવવામાં આવશે તો કોઈને કોઈ વાંધો નહીં હોય. પરંતુ અમે ED, CBI અને ITના દુરુપયોગનો વિરોધ કરીએ છીએ જે કરવામાં આવી રહ્યો છે."
આગળ તેમણે કહ્યું આપણે કાયદાનું પાલન કરવું જોઈએ, તો જ રાષ્ટ્ર ચાલશે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. પરંતુ રાજકારણીઓને લક્ષ્યાંકિત સમન્સ, ચૂંટણી રાજ્યોમાં, આવકવેરા, ઇડી અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દરોડા પડે છે. આ ખોટું છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે દેશ હવે જાણે છે કે કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચારને સમર્થન આપે છે.કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવ્યો છે. રાહુલ ગાંધી શા માટે ડરી ગયા છે? જો તેમણે કંઈ ખોટું કર્યું નથી, તો તેમણે EDને તેનું કામ કરવા દેવું જોઈએ. શું એક પક્ષ અને એક પરિવાર માટે કાયદો બદલાશે? દેશ હવે જાણે છે કે તે કોંગ્રેસ પક્ષ ભ્રષ્ટાચારને સમર્થન આપે છે. (ANIના ઇનપુટ સાથે)