Hate Speech Case: સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને રામપુરના ધારાસભ્ય આઝમ ખાનને ગુરુવારે કોર્ટે સજા સંભળાવી હતી. આઝમ ખાનને 3 વર્ષની જેલની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેમનું ધારાસભ્ય પદ રદ્દ થઇ શકે છે. જો કે આઝમ ખાનને જામીન મળી શકે છે. આવી સ્થિતિમાં સપા નેતાને જામીન માટે એક મહિનાનો સમય મળશે.
અગાઉથી જ સ્પષ્ટ હતું કે જો આઝમ ખાનને 2 વર્ષથી વધુની સજા થશે, તો તેમની રાજકીય કારકિર્દી જોખમમાં આવશે અને વિધાનસભામાં તેમનું સભ્યપદ રદ થઈ જશે. આથી જ કોર્ટમાં લગભગ 1.30 કલાક સુધી ચર્ચા ચાલી કારણ કે આઝમ ખાનના વકીલો સતત પ્રયાસ કરતા હતા કે સજા ઓછામાં ઓછી હોવી જોઈએ. જ્યારે ફરિયાદ પક્ષે પ્રયાસ કર્યો કે આઝમને નિયમો અનુસાર લાંબી સજા મળવી જોઈએ. હવે જો આઝમ ખાન ઈચ્છે તો આ નિર્ણયને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.
નોંધનીય છે કે આઝમ ખાન રામપુરથી 10 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને સપાના સ્થાપક સભ્યોમાંથી એક છે. આવી સ્થિતિમાં સમાજવાદી પાર્ટી માટે તેમની વિધાનસભા પદ ગુમાવવાનો ભય ઘણો મોટો છે. અયોધ્યાના ગોસાઈગંજના બીજેપી ધારાસભ્ય ખબ્બુ તિવારીની સદસ્યતા પણ કોર્ટે બે વર્ષથી વધુની જેલની સજા ફટકાર્યા બાદ રદ્દ કરી દેવામાં આવી હતી.
હેટ સ્પીચનો કેસ શું છે?
ઉલ્લેખનીય છે કે હેટ સ્પીચ મામલો 2019ની લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. 27 જુલાઈ 2019ના રોજ બીજેપી નેતા આકાશ સક્સેનાએ આઝમ ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે આઝમ ખાને રામપુરની મિલક વિધાનસભા સીટ પર જનતાને સંબોધિત કરતી વખતે ચૂંટણી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન આઝમ ખાને સીએમ યોગી, પીએમ મોદી અને તત્કાલીન ડીએમ વિશે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. 3 વર્ષ પછી 27 ઓક્ટોબર 2022ના રોજ રામપુરની એમપી-એમએલએ કોર્ટે આ જ કેસમાં સુનાવણી બાદ આઝમ ખાનને દોષિત ઠેરવ્યા અને સજાની જાહેરાત કરી હતી.
કોંગ્રેસે આ નિર્ણયને કાયદાની જીત ગણાવી
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે કોર્ટે આઝમ ખાનને દોષિત ઠેરવ્યા છે. આ કાયદાની જીત છે.