નવી દિલ્હી: લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ એસપીજી સંશોધન બિલ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં વિપક્ષના ભારે હોબાળા બાદ એસપીજી બિલ( સ્પેશિયલ પ્રોટેક્શન બિલ(સંશોધન) 2019) પાસ કરવામાં આવ્યું છે. જો કે આ દરમિયાન કૉંગ્રેસના સભ્યોએ સંસદમાથી વૉકઆઉટ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બિલ પર સંસદમાં પોતાની વાત રજૂ કરી હતી.


ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી તે આ સંશોધન રાજકીય બદલાની ભાવનાને ધ્યાનમાં રાખી કોઈ એક પરિવાર માટે નહીં કરવામાં આવ્યું પરંતુ તેનાથી પ્રધાનમંત્રીની સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ મળશે.


અમિત શાહે સરકારનો પક્ષ રાખતા કહ્યું કે આ ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને આ એસપીજી સુરક્ષા બિલ નથી લાવ્યા. બિલ લાવતા પહેલા જ ખતરાની સમીક્ષા કર્યા બાદ ગાંધી પરિવારની સુરક્ષા હટાવવામાં આવી હતી.


અમિત શાહે કહ્યું, જ્યારે મનમોહન સિંહ અને અન્ય પૂર્વ વડાપ્રધાનોની એસપીજી સુરક્ષા હટાવવામાં આવી હતી.ત્યારે કોઈ ચર્ચા નહોતી થઈ. તેઓએ કહ્યું કે અમે પરિવારના વિરોધી નથી પરંતુ માત્ર ગાંધી પરિવારની જ સુરક્ષાની વાતો કેમ ? ગાંધી પરિવાર સહિંત દેશમાં 130 કરોડ ભારતીયની સુરક્ષા સરકારની જવાબદારી છે. સુરક્ષા સ્ટેટસ સિમ્બલ નથી. એસપીજી માટે આ હોબાલો કેમ ?

આ બિલમાં માત્ર વડાપ્રધાનને એસપીજી સુરક્ષા આપવાની જોગવાઈ છે અને તેના સિવાય કોઈ પણ વિશિષ્ટ વ્યક્તી આ સુરક્ષા કવચના હકદાર નથી. બિલમાં સંશોધન બાદ કાયદાકીય રીતે ગાંધી પરિવારના કોઈ પણ સભ્ય એસપીજી સુરક્ષામાં નહીં રહે. વડાપ્રધાન પદ પરથી હટ્યા બાદ પાંચ વર્ષ બાદ વિશિષ્ટ વ્યક્તિ પાસેથી પણ આ સુરક્ષા પરત લેવામાં આવશે.