SpiceJet Flight Incident: વિમાનમાં કેબિન ક્રુ સાથે ગેરવર્તનની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. એર ઈન્ડિયામાં પેશાબ કાંડના પડઘા હજી સમ્યા નથી ત્યાં હવે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ક્રુ મેમ્બર સાથે બદસલુકી કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જોકે આ વખતે સ્પાઈસ જેટે તુરંત જ આકરી કાર્યવાહી કરી હતી.
સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક મુસાફરે કેબિન ક્રૂ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યાર બાદ આરોપી મુસાફર અને તેના સહ-મુસાફરને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતાં અને બંનેને સુરક્ષા દળોને સોંપી દેવામાં આવ્યા હતા. સ્પાઈસજેટ એરલાઈન્સે સોમવારે જણાવ્યું હતું કે, આ ઘટના 23 જાન્યુઆરીએ દિલ્હી-હૈદરાબાદ ફ્લાઈટમાં બની હતી. દિલ્હીમાં બોર્ડિંગ દરમિયાન એક મુસાફરે કેબિન ક્રૂને હેરાન કરીને બેફામ અને અયોગ્ય વર્તન કર્યું હતું.
સ્પાઈસજેટે આ ઘટનાને લઈને કહ્યું હતું કે, કેબિન ક્રૂએ પીઆઈસી અને સુરક્ષા કર્મચારીઓને ઘટના અંગે જાણ કરી હતી. આ મુસાફર અને એક સહ-મુસાફર જેઓ એકસાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમને ઉતારીને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા હતા. તાજેતરમાં ફ્લાઈટમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગેરવર્તન કરનાર મુસાફરને ક્રુ મેંબર કહી રહી છે કે, એરહોસ્ટેસ રડી રહી છે... તે રડી રહી છે... વારંવાર આમ કહેવા છતાં મુસાફરે ગેરવર્તણુંક યથાવત રાખી હતી. આખરે અન્ય બે ક્રુ-મેમ્બર્સ વચ્ચે પડે છે અને મુસાફરને શાંત કરે છે.
ગો ફર્સ્ટ ફ્લાઈટમાં ગેરવર્તણૂક થઈ હતી
અગાઉ 5 જાન્યુઆરીએ નવી દિલ્હીથી ગોવા જતી GoFirst ફ્લાઇટમાં બે વિદેશી મુસાફરોએ મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરી હતી. વિદેશી મુસાફરોએ કથિત રીતે એક એર હોસ્ટેસને તેમની સાથે બેસવાનું કહ્યું હતું અને બીજી એર હોસ્ટેસને અશ્લીલ વાતો કરી હતી. બંને મુસાફરોને એરપોર્ટ સુરક્ષા એજન્સી CISFને સોંપવામાં આવ્યા હતા અને આ મામલાની જાણ નિયમનકાર DGCAને કરવામાં આવી હતી.
ફ્લાઇટમાં સહ-મુસાફર પર પેશાબ
આ સિવાય એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા સહ-મુસાફર પર પેશાબ કરવાની ઘટના પણ સામે આવી હતી. 26 નવેમ્બરના રોજ શંકર મિશ્રા નામના વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં નશાની હાલતમાં વૃદ્ધ મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. કેસ નોંધાયા બાદ દિલ્હી પોલીસે આરોપીની બેંગલુરુથી ધરપકડ કરી હતી.