નવી દિલ્હીઃ રશિયાની સ્પુતનિક વી કૉવિડ વેક્સિનની કિંમત પણ નક્કી કરી દેવામાં આવી છે. ભારતમાં સ્પુતનિક-વી વેક્સિનની કિંમત 948 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વેક્સિન પર 5 ટકા જીએસટી પણ લાગશે. ગયા મહિને ડીસીજીઆઇએ સ્પુતનિક-વીના ઉપયોગને મંજૂરી આપી દીધી હતી. ડૉ. રેડ્ડીઝ લેબે કહ્યું- લૉકલ સપ્લાય શરૂ થયા બાદ કિંમત ઓછી થઇ શકે છે.
દેશમાં આજે પહેલીવાર વિદેશી વેક્સિન લાગી છે. હૈદરબાદમાં સ્પુતનિક-વીનો પહેલો ડૉઝ ડૉ. રેડ્ડીઝ લેબના કસ્ટમ ફાર્મા સર્વિસીઝના ગ્લૉબલ હેડ દીપક સપરાને આપવામાં આવ્યો છે.
આગામી અઠવાડિયામાં ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ થશે સ્પુતનિક-વી.....
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે, કૉવિડ મહામારી વિરુદ્ધ રશિયન વેક્સિન સ્પુતનિક-વી આગામી અઠવાડિયાની શરૂઆતમાં દેશભરના બજારોમાં ઉપલબ્ધ થશે. સરકાર તરફથી આ જાહેરાત રશિયાથી હૈદરાબાદમાં સ્પુતનિક-વી વેક્સિનના 150,000 ડૉઝનો પહેલો જથ્થો પહોંચ્યાના 12 દિવસ બાદ સામે આવી છે.
સ્પુતનિક-વીને રશિયાના ગામાલેયા નેશનલ સેન્ટર દ્વારા વિકસીત કરવામાં આવી છે. આ ભારતમાં એવા સમયે ઉપયોગ થનારી ત્રીજી રસી હશે, જ્યારે દેશ બીજી લહેરની ઝપેટમાં છે, જે ખુબ ખતરનાક છે. આ બધાની વચ્ચે ભારતમાં વેક્સિનેશનની માંગ ખુબ વધી ગઇ છે.
આ ભારતીય માર્કેટમાં ત્રીજી વેક્સિન હશે. આ પહેલા પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા તરફથી કૉવિશિલ્ડ જ્યારે હૈદરાબાદ સ્થિત ભારત બાયૉટેક ઇન્ટરનેશનલ લિમીટેડ તરફથી વિકસીત કૉવેક્સિન ભારતીય નાગરિકો માટે બજારમાં આવી ચૂકી છે. 91.6 ટકાની પ્રભાવકારિતાની સાથે સ્પુતનિક-વી દુનિયામાં કૉવિડ વિરુદ્ધ પહેલી વેક્સિન છે. ધ લાન્સેન્ટમાં પ્રકાશિત નૈદાનિક પરીક્ષણ ડેટાએ સંકેત આપ્યો કે વેક્સિન સુરક્ષિત અને પ્રભાવિત દેખાય છે.
17 કરોડથી વધારેને રસી અપાઈ....
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 92 લાખ 98 હજાર 584 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,43,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4000 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,44,776 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- 2,40,46,809
કુલ ડિસ્ચાર્જ- 2,00,79,599
કુલ એક્ટિવ કેસ - 37,04,893
કુલ મોત – 2,62,317