નવી દિલ્હી: કોરોનાવાયરસ મહામારીની બીજી લહેરમાં  કેસની સંખ્યા સતત ઘટી રહી છે. સમગ્ર દેશમાં હાલ રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેવા સમયે એક અભ્યાસ મુજબ રશિયાની કોરોના રસી સ્પૂતનિક- વી(Sputnik V)ના પ્રથમ ડોઝ બાદ માનવ શરીરમાં ઉચ્ચ આઈજીજી (IgG) એન્ટિબોડી બનાવે છે અને એન્ટિબોડીને સ્થિર રાખે છે. આઇજીજી (IgG)એન્ટિબોડી શરીરમાં મેમરી કોષનું નિર્માણ કરે છે. જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ આ વાયરસ સામે લડવામાં સક્ષમ બને છે. સ્પૂતનિક v રસી ડેલ્ટા (Delta variant ) સામે પ્રભાવી છે. વૈજ્ઞાનિકોની જાહેરાતના એક દિવસ બાદ જ એક નવા સ્ટડીમાં આ વાત સામે આવી છે. આરડીઆઇએફ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે  કે, કોરોનાવાયરસના અન્ય પ્રકારો ડેલ્ટા સામે સ્પુટનિક V અસરકારક છે.


આ અભ્યાસ આંતરરાષ્ટ્રીય પિયર રિવ્યુ, ઓપન એક્સેસ સેલ રિપોર્ટ્સ મેડિસિન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સંશોધન આર્જેન્ટિનામાં કરવામાં આવ્યું છે. સંશોધન દરમ્યાન વૈજ્ઞાનિકોએ 288 આરોગ્ય કર્મચારીઓને રશિયાની કોરોના રસી સ્પુટનિક Vના ડોઝ આપ્યા હતા. તેની બાદ તેમના શરીરમાં ઉત્પન્ન થઈ રહેલા એન્ટિબોડીની પ્રતિક્રિયાનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં 39 વૈજ્ઞાનિકો આ સંશોધનમાં કામ કરી રહ્યા છે.


આ સંસ્થાએ અહેવાલમાં જણાવ્યું હતું કે સ્પુટનિક- V નો પ્રથમ ડોઝ 94 ટકા લોકોના શરીરમાં મજબૂત રોગ પ્રતિકારક શકિત બનાવે છે, જે તેમને કોરોના વાયરસથી બચવા માટે મદદ કરે છે. જ્યારે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પહેલાથી ચેપગ્રસ્ત વ્યક્તિઓમાં બીજો ડોઝ આપવાનો કોઈ ખાસ ફાયદો મળ્યો નથી. અહેવાલ મુજબ સ્પુટનિક v નો પ્રથમ ડોઝ ચેપગ્રસ્ત વ્યક્તિઓને બચાવવા માટે પૂરતો છે.


દેશમાં કોરોના વાયરસની સ્થિતિ



  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 8 લાખ 32 હજાર 870

  • કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 14 હજાર 713

  • કુલ એક્ટિવ કેસ - 4 લાખ 50 હજાર 899

  • કુલ મોત - 4 લાખ 8 હજાર 764


ગઈકાલે 14 લાખ 32 હજાર 343 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 37,73,52,501 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે 12,35,287 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.