નવી દિલ્હી:  રશિયાની વેક્સિન સ્પૂતનિકને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સિન આવી પહોંચી છે. ભારત સરકાર આવતા સપ્તાહથી વેચાણ માટે માર્કેટમાં ઉપલબ્ધ કરાવશે. જેની જાણકારી ડો. વીકે પૌલે આપી હતી. 



નિતિ આયોગના સભ્ય (આરોગ્ય)  વી.કે.પૌલે કહ્યું કે, સ્પુતનિક રસી ભારત પહોંચી ગઈ છે. મને કહેતા ખુશી થાય છે કે અમને આશા છે કે તે આવતા અઠવાડિયાથી બજારમાં ઉપલબ્ધ થશે. અમે એ પણ આશા રાખીએ છીએ કે રશિયા તરફથી મર્યાદિત માત્રાની રસી આવતા સપ્તાહથી વેચવાનું શરૂ કરશે.''


આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આવતા અઠવાડિયાથી ભારતમાં સ્પુતનિક-વી  (Sputnik V) ની રસીનું વેચાણ શરૂ થશે. આગામી પાંચ મહિનામાં ભારતમાં 2 અબજ ડોઝ મળશે. ઘરેલું અને વિદેશી બંને રસી ભારતમાં રજૂ કરવામાં આવશે. સ્પુતનિકનું ઉત્પાદન ભારતમાં ઓક્ટોબર સુધીમાં થવાનું શરૂ થઈ જશે. 



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ



સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,62,727 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4120 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,52,181 લોકો ઠીક પણ થયા છે. 
કુલ કેસ-  બે કરોડ 37 લાખ 03 હજાર 665
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 97 લાખ 34 હજાર 823
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 10 હજાર 525
કુલ મોત - 2 લાખ 58 હજાર 317

17 કરોડથી વધારેને રસી અપાઈ



દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 72 લાખ 14 હજાર 256 ડોઝ આપવામાં આવ્યા છે.



આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ



સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.


 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 30,94,48,585 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 12 મે ના રોજ 18,64,594 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જ્યારે 11 મેના રોજ 19,83,804 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.  આમ એક જ દિવસમાં 1,19,210 સેમ્પલ ઘટાડવામાં આવ્યા હતા.