Colombo : ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે, જ્યારે અન્ય પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરું બની રહ્યું છે. રસ્તાઓ પર ફાટી નીકળેલા લોકોના ગુસ્સાને જોતા શ્રીલંકાની સરકારે કટોકટી લાગુ કરી દીધી હતી. દરમિયાન, જ્યાં ભારતે 40 હજાર મેટ્રિક ટન ડીઝલ કોલંબોમાં પહોંચાડ્યું છે. સાથે જ ટૂંક સમયમાં વધારાનું 20 હજાર ટન ફ્યુઅલ આપવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.
ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને શ્રીલંકા માટે રિઝર્વમાંથી વધારાનું ફ્યુઅલ આપવાનું કહેવામાં આવ્યું છે. IOC ના સહયોગથી બનેલી IOCPCLએ એક દિવસ પહેલા જ સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડને 6 હજાર મેટ્રિક ટન ફ્યુઅલ સાથેના ટેન્કરો મોકલ્યા હતા. શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત છે. આ સાથે ફ્યુઅલની આ અછત શ્રીલંકાની વીજળી સંકટ માટે પણ જવાબદાર છે કારણ કે આ ટાપુ દેશમાં 10 ટકા વીજળી ઉત્પાદન ફ્યુઅલ આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી થાય છે. કોલસાના પુરવઠામાં અછતથી વીજળી ઉત્પાદનમાં ખલેલ પહોંચાડી હતી.
શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે
નિષ્ણાતો માને છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શ્રીલંકામાં સ્થિતિ વધુ વણસી શકે છે. એક ડોલરની કિંમત અત્યાર સુધીના સૌથી નીચા સ્તર એટલે કે રૂ. 297.99 પર પહોંચી ગઈ છે. દેખીતી રીતે આવી સ્થિતિમાં ભારતની ચિંતા સ્વાભાવિક છે કારણ કે શ્રીલંકાના તમિલ પ્રભાવિત વિસ્તારોમાંથી તમિલનાડુ વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
વર્તમાન કટોકટીથી પરેશાન થઈને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. આવી સ્થિતિમાં તણાવ એટલો વધી ગયો છે કે શનિવાર સાંજથી સમગ્ર દેશમાં 36 કલાક માટે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. કોલંબોમાં રાષ્ટ્રપતિ ભવનની બહાર લોકોની ભીડના પ્રદર્શન બાદ શુક્રવારે રાત્રે કટોકટી લાદવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ દરમિયાન અફવાઓ પણ જોરશોરથી ચાલી રહી છે, જેમાં ભારત તરફથી સૈન્ય મોકલવાની અફવાઓ પણ ઉઠી હતી. જો કે, કોલંબોમાં ભારતીય હાઈ કમિશને કેટલાક સમાચાર માધ્યમોમાં આ અંગેના સમાચારોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. ભારતીય હાઈ કમિશને સ્પષ્ટતા કરી કે આવી વાતો સંપૂર્ણપણે પાયાવિહોણી છે.