નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે અનેક રાજ્યોએ લોકડાઉન અને કર્ફ્યુ જેવા કડક પગલા લીધા છે. ત્યારે એસબીઆઈએ એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતમાં ફેબ્રુઆરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે અને તે સ્પષ્ટ રીતે બીજી લહેર હોવાના સંકેત આપે છે. જો 15 ફેબ્રુઆરીથી ગણતરી કરીએ તો કોરોનાની બીજી લહેર 100 દિવસ સુધી ચાલી શકે છે.
એસબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 23 માર્ચના કેસના આધેર ભારતમાં બીજી લહેરમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા લગભગ 25 ટકા જવાની શક્યતા છે. આ રિપોર્ટમાં 28માં પેજ પર કહેવામાં આવ્યું છે કે, સ્થાનીક લોકડાઉન અથવા કડક નિયંત્રણ અપૂરતા છે અને સામુહિક રસીકરણ જ મહામારીની સામે લડાઈમાં એકમાત્ર આશાનું કિરણ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ લહેર દરમિયાન રોજ નવા કેસ ટોચ સુધી પિહોંચવાના દિવસની સંખ્યાને ધ્યાનમાં રાખીએ તો આ વખતે ભારતમાં એપ્રિલના મધ્ય બાદ કોરોના કેસ પીક પર પહોંચી શકે છે. આ પહેલાં ગત વર્ષે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દેશમાં કોરોના પીક પર હતો. તે સમયે દરરોજ 90 હજારથી વધુ કેસ જોવા મળી રહ્યાં હતા.
આર્થિક સંકેત પર ફોકસ કરતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ગત સપ્તાહથી સૂચકાંકોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંશિક રીતે કે સંપૂર્ણ રીતે કેટલાંક રાજ્યોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકડાઉન જેવાં પગલાં ઉઠાવવાની અસર આગામી મહિનાથી જોવા મળી શકે છે. તેની સાથે જ રિપોર્ટમાં રાજ્યોમાં રસીકરણમાં ગતિમાં વૃદ્ધિ માટે પણ કહેવામાં આવ્યું છે. હાલમાં 34 લાખથી 40-45 લાખ પ્રતિદિવસ રસીકરણ વધારવાનો મતલબ થશે કે 45 વર્ષથી વધારે ઉંમરના નાગરિકોનું રસીકરણ હવે ચાર મહિનામાં પૂરું કરવામાં આવી શકે છે.