Stayendra Jain New Video: દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને લઈને વિવાદ જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. દિલ્હી સરકારમાં કદ્દાવર મંત્રાલય સંભાળતા સત્યેન્દ્ર જૈન મની લોન્ડ્રીંગ કેસમાં જેલમાં બંધ છે. પહેલા જેલમાં જ રહીને મસાજ કરાવવાનો અને હવે વધુ એક સામે આવેલા વીડિયોએ વિવાદનો મધપુડો છંછેડ્યો છે. વીડિયો સામે આવતા જ ભાજપે આપ અને જૈનને બરાબરના આડેહાથ લીધા હતાં.
સત્યેન્દ્ર જૈનનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ જેલમાં જ રહીને બિંદાસ્ત બની હોટલનું ખાવાનું ખાઈ રહ્યાં હોવાનું દેખાઈ આવે છે. ભાજપે આ વીડિયો જાહેર કરતા કહ્યું હતું કે, આ જેલ નહીં પણ કોઈ રિસોર્ટ હોય તેવું પ્રતિત થાય છે. આ વીડિયોએ સત્યેન્દ્ર જૈનના એ દાવાની પોલ ખોલી નાખી છે જેમાં તેમણે બે દિવસ પહેલા દાવો કર્યો હતો કે જેલમાં તેમને યોગ્ય જમવાનું નથી આપવામાં આવી રહ્યું.
આમ આદમી પાર્ટીના નેતા અને કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ મની લોન્ડિંગના આરોપ હેઠળ દિલ્હીની તિહાડ જેલમાં છે. તાજેતરમાં જ તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ જેલમાં બેઠા બેઠા સ્વાદિષ્ઠ વાગનીઓની મોજ માણી રહ્યાં હોવાનું દેખાઈ આવે છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના પલંગ પર ત્રણ અલગ-અલગ બોક્સ દેખાય છે. જેમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ રાખવામાં આવી છે. આ સાથે સત્યેન્દ્ર પણ ફળ ખાતા જોવા મળે છે. તિહાર જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્યેન્દ્ર જૈનનું વજન 8 કિલો વધી ગયું છે જ્યારે તેમના વકીલે દાવો કર્યો છે કે જેલમાં રોકાણ દરમિયાન તેમનું વજન 28 કિલો ઘટી ગયું છે.
આ અગાઉ જૈનનો જેલમાં જ રહીને કોઈ વ્યક્તિ પાસે મસાજ કરાવતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી અને સત્યેન્દ્ર જૈન પર ચારેકોરથી માછલા ધોવાયા હતાં. આ ઘટનાનો વિવાદ હજી સમ્યો નથી ત્યાં બીજો વીડિયો સામે આવતા જૈન મુશ્કેલીમાં મુકાયા છે.
બીજી બાજુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણી પહેલા સામે આવેલા સત્યેન્દ્ર જૈનના આ પ્રકારના વીડિયોથી આમ આદમી પાર્ટી બેબાકળી બની છે. ભારતીય જનતા પાર્ટી તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતી જોવા મળી રહી છે. મસાજનો વીડિયો જાહેર કર્યા બાદ પાર્ટીએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના (વિનય કુમાર સક્સેના)ને આ મામલે તપાસ કરવા પત્ર લખ્યો છે. અગાઉ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મસાજ વીડિયો પર પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર સસ્તી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. સિસોદિયાએ દાવો કર્યો હતો કે, સત્યેન્દ્ર જૈન બીમાર છે અને ડૉક્ટરે તેમને ફિઝિયોથેરાપી કરાવવા માટે કહ્યું છે માટેઅ તેમની મસાજ કરવામાં આવી રહી છે.
માસીર ફિઝિયોથેરાપિસ્ટ નથી પણ બળાત્કારી છે...
મનીષ સિસોદિયાના દાવા પછી, 22 નવેમ્બર, મંગળવારના રોજ ખુલાસો થયો કે મસાજ કરનાર વ્યક્તિ ફિઝિયોથેરાપિસ્ટ નથી પરંતુ સગીર સાથે બળાત્કારનો આરોપી છે. આ વ્યક્તિ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.