Stray dog menace Sun City Bengaluru: બેંગલુરુના ઇબ્બાલુરુ-બેલાન્દુરમાં આવેલ સન સિટી એપાર્ટમેન્ટ્સ હાલમાં રખડતા કૂતરાઓનો ત્રાસથી પરેશાન છે. રહેવાસીઓનો આરોપ છે કે મીનુ સિંઘ નામની એક સ્વ-ઘોષિત એનિમલ એક્ટિવિસ્ટના કારણે આ સમસ્યા વધી છે, જેના પરિણામે એપાર્ટમેન્ટ સંકુલ રખડતા કૂતરાઓનું હોટસ્પોટ બની ગયું છે. આ મુદ્દો છેલ્લા એક દાયકાથી ચાલી રહ્યો છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં તે ગંભીર બન્યો છે, જેનાથી ખાસ કરીને બાળકો અને વરિષ્ઠ નાગરિકોના જીવન જોખમમાં મુકાયા છે.


રહેવાસીઓ અનુસાર, મીનુ સિંઘ 2010 થી પ્રાણી કાર્યકર્તા તરીકે કાર્યરત છે. શરૂઆતમાં, તેણીએ એપાર્ટમેન્ટ સંકુલની બહાર એક આશ્રયસ્થાન ચલાવ્યું હતું, પરંતુ બાદમાં નજીકના વિસ્તારોમાં રખડતા કૂતરાઓ પર નિયંત્રણો આવતા, તેણીએ કથિત રીતે ઘણા કૂતરાઓને સન સિટી એપાર્ટમેન્ટ્સમાં ખસેડ્યા હતા. આજે, ગ્રાઉન્ડ ફ્લોર પર લગભગ 9 થી 12 કૂતરાઓનો અડીંગો જામેલો રહે છે, જેના કારણે આ વિસ્તાર બાળકો અને વૃદ્ધો માટે અસુરક્ષિત બની ગયો છે.


સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, મીનુ સિંઘ બે કિલોમીટરના વિસ્તારમાં આશરે 2,000 કૂતરાઓને ભોજન પણ કરાવે છે, જેના કારણે વધુ કૂતરાઓ એપાર્ટમેન્ટ સંકુલ તરફ આકર્ષાય છે અને રખડતા કૂતરાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કૂતરા કરડવાની ઘટનાઓ, કૂતરાઓનું આક્રમક વર્તન અને બાળકો રમતા હોય ત્યારે તેમનો પીછો કરવા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, કેટલાક કૂતરાઓને લિફ્ટમાં ઉપરના માળે, નવમા માળ સુધી પણ જતા જોવામાં આવ્યા છે.


એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે એપાર્ટમેન્ટની અંદરના કેટલાક લોકો મીનુ સિંઘને મદદ કરી રહ્યા છે, જેના કારણે કૂતરાઓની હિલચાલ સરળ બની છે અને સમસ્યા વધુ વકરી છે. રહેવાસીઓ એવો પણ દાવો કરે છે કે મીનુ સિંઘે સુરક્ષા કર્મચારીઓ, માળીઓ અને કૂતરા ચાલનારાઓને લાંચ આપીને એક મજબૂત નેટવર્ક બનાવ્યું છે, જેના કારણે તેની પ્રવૃત્તિઓનો વિરોધ કરવો મુશ્કેલ બની ગયો છે. વિરોધ કરનારા રહેવાસીઓને ધમકીઓ આપવા અને ખોટી પોલીસ ફરિયાદો નોંધાવવાના પણ આક્ષેપો થયા છે. એક કિસ્સામાં, 40 રહેવાસીઓ વિરુદ્ધ છેડતીના આરોપ હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી.


ડિસેમ્બર 2024 માં, મીનુ સિંઘે બેલાંદુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે રખડતા કૂતરાઓ પર હુમલો કરતા એક અજાણ્યા વ્યક્તિ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. જો કે, રહેવાસીઓ આ ફરિયાદને પણ ખોટી ગણાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે મીનુ સિંઘ વિરોધ કરનારાઓને ડરાવવા માટે કાયદાનો દુરુપયોગ કરી રહી છે. છેલ્લા દાયકામાં, મીનુ સિંઘ પર એપાર્ટમેન્ટ સંકુલમાં ગેરકાયદેસર રીતે રખડતા કૂતરાઓને આશ્રય આપવાનો અને વિરોધને દબાવવા માટે રાજકીય જોડાણોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રહેવાસીઓએ મીનુ રક્ષે વાહિની ફાઉન્ડેશન નામની તેમની એનજીઓ દ્વારા ભંડોળની ગેરરીતિ અને અનધિકૃત કેમેરા લગાવવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.


સન સિટી એપાર્ટમેન્ટના રહેવાસીઓ મીનુ સિંઘને "પ્રાણી વિરોધી" ગણાવે છે. રહેવાસી કલ્યાણ મંડળ (RWA) અને અન્ય અધિકારીઓના સ્પષ્ટ આદેશો છતાં, મીનુ સિંઘ રખડતા કૂતરાઓને એપાર્ટમેન્ટ સંકુલમાં લાવવાનું ચાલુ રાખે છે, જેનો પુરાવો તેમના સોશિયલ મીડિયા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે.  મીનુ રક્ષે વાહિની ફાઉન્ડેશન દ્વારા ક્રાઉડફંડિંગ દ્વારા લગભગ ₹50 લાખ એકત્ર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો છે, પરંતુ સંસ્થાના સરનામામાં વિસંગતતાઓ અને અન્ય ગેરરીતિઓને કારણે તેની કાયદેસરતા પર શંકા ઉભી થઈ છે. વધુમાં, મીનુ સિંઘે સામાન્ય વિસ્તારોમાં અને પોતાના કોરિડોરમાં અનધિકૃત રીતે ત્રણ સર્વેલન્સ કેમેરા લગાવ્યા છે, જે ગોપનીયતાનો ભંગ છે અને રહેવાસીઓ દ્વારા તેને દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે.


અસંખ્ય ફરિયાદો બાદ, રહેવાસીઓએ પોલીસ, બૃહત બેંગલુરુ મહાનગરા પાલીકે (BBMP) અને સ્થાનિક ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો. સત્તાવાળાઓએ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર અને ભોંયરામાં કૂતરાઓને પ્રવેશ ન આપવાનો આદેશ આપ્યો હતો અને એપાર્ટમેન્ટની બહારના બે ગેરકાયદેસર કૂતરા આશ્રયસ્થાનો પણ તોડી પાડ્યા હતા. જો કે, રહેવાસીઓનું કહેવું છે કે મીનુ સિંઘ હજુ પણ કૂતરાઓને સંકુલમાં ફરીથી લાવવાના પ્રયાસો કરી રહી છે. તાજેતરના BBMPના નિરીક્ષણમાં એપાર્ટમેન્ટ પરિસરમાં 19 રખડતા કૂતરાઓ મળી આવ્યા હતા. કાયદાકીય મર્યાદાઓને કારણે આ કૂતરાઓને ખસેડી શકાય તેમ નથી, પરંતુ એસોસિએશને નિર્ણય લીધો છે કે હવેથી કૂતરાઓનું સંચાલન મીનુ સિંઘની દખલગીરી વિના કરવામાં આવશે, કારણ કે તેણીની હાજરી સમસ્યાને ઉકેલવાને બદલે વધારે છે.


નોંધનીય છે કે, માર્ચ 2025 માં, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ સમગ્ર ભારતમાં, ખાસ કરીને હરિયાણામાં કૂતરા કરડવાની વધતી જતી ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે અને હરિયાણા એનિમલ વેલ્ફેર બોર્ડને ચાર અઠવાડિયામાં તપાસ કરીને એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 2024 માં દેશભરમાં કૂતરા કરડવાના 21.95 લાખ કેસો નોંધાયા હતા, જેમાં 5 લાખ બાળકો અને 37 લોકોના મોત થયા હતા. રખડતા કૂતરાઓનો ખતરો સમગ્ર ભારતમાં એક ગંભીર સમસ્યા બની રહ્યો છે, જે દરરોજ લોકોને, ખાસ કરીને બાળકોને મુશ્કેલીમાં મૂકે છે. 2024 માં ચેન્નાઈ, બેંગલુરુ, કર્ણાટક અને કેરળ જેવા શહેરોમાંથી પણ કૂતરા કરડવાના ઘણા ગંભીર કેસો સામે આવ્યા હતા.