નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા બાદ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આજે સવારે તેમણે ટ્વીટ કરીને મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યુ હતું. તેમણે લખ્યું, મોદી સરકાર ઈકોનોમી, સીમા સુરક્ષા, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા જેવા મુદ્દા પર નિષ્ફળ રહી છે. તેમણે આ નિષ્ફળતા માટે કોની જવાબદારી છે તેમ પણ પૂછ્યું છે.


બુધવારે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. જે બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ છે અને તેઓ ટીએમસીમાં જોડાશે તેવી ચર્ચા પણ થઈ રહી છે. મુલાકાત બાદ સ્વામીએ મમતા બેનર્જીની પ્રશંસા કરી હતી. સ્વામીએ ટ્વીટ કરીને લખ્યું, જેટલા પણ રાજનેતાઓને હું મળ્યો કે તેમની સાથે કામ કર્યુ તેમાં મમતા બેનર્જી, મોરારજી દેસાઈ, જેપી, રાજીવ ગાંધી, ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવ જેવી છે. આ લોકો ખોટો દંભ નથી કરતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ટીએમસીમાં સામેલ થશો તો જવાબ આપતાં કહ્યું, હું પહેલાથી જ તેમની સાથે છું, પાર્ટીમાં સામેલ થવાની મને જરૂર નથી.


સુબ્રમણ્ય સ્વામી ભાજપ પર પહેલાથી જ પ્રહાર કરી રહ્યા છે પરંતુ મમતાને મળ્યા બાદ ખુલીને સામે આવ્યા છે. એનડીએ-2માં તેમને કોઈ મોટું પદ ન આપવામાં આવતાં નારાજ ચાલી રહેલા સ્વામી ઘણા સમયથી સરકારની આલોચના કરતાં અચકાતા નથી.






મમતાને ગણાવ્યા હતા સાચા હિન્દુ


ગત વર્ષે બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે રાજકીય સંગ્રામ જામ્યો હતો ત્યારે સ્વામીએ મમતા બેનર્જીને સાચા હિન્દુ અને દુર્ગા ભક્ત ગણાવ્યા હતા.