પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ પર અસર પડી છે, જેનાથી ભારતમાં ગેસ સપ્લાયને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અછતની અફવાઓ અને ડર વચ્ચે બુધવારે (18 માર્ચ) પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજીને દેશવાસીઓને મોટી રાહત આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ક્રૂડ ઓઈલનો પૂરતો ભંડાર છે, રિફાઈનરીઓમાં સ્થાનિક ગેસનું ઉત્પાદન 40% જેટલું વધારી દેવાયું છે, અને હાલમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

શું કહ્યું પેટ્રોલિયમ મંત્રાલયે? જાણો વિગતવાર

પ્રેસ કોન્ફરન્સમાં સુજાતા શર્માએ લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, "દેશના કોઈપણ પેટ્રોલ પંપ (રિટેલ આઉટલેટ) અથવા તો LPG ડિસ્ટ્રિબ્યુટર પાસે ઈંધણની કોઈ જ અછત નથી. અત્યારે સ્થાનિક PNG (પાઈપલાઈન ગેસ) અને વાહનો માટેના CNG ગ્રાહકોને 100% સપ્લાય આપવામાં આવી રહ્યો છે."

Continues below advertisement
Continues below advertisement

જોકે, વચ્ચે LPG ગેસને લઈને થોડી ચિંતા ઉભી થઈ હતી, પરંતુ સરકારે તેમાં ઘરગથ્થુ (સ્થાનિક) ગ્રાહકોને સૌથી પહેલી પ્રાથમિકતા આપી છે. આ કારણે થોડા સમય માટે કોમર્શિયલ (વેપારી) LPG સિલિન્ડરોના વેચાણ પર જે નિયંત્રણો મુકાયા હતા, તે હવે ધીમે ધીમે હળવા કરીને ફરીથી આંશિક રીતે શરૂ કરી દેવામાં આવ્યા છે.

ભાવ વધારા અંગે મોટી સ્પષ્ટતા

લોકોના મનમાં મોટો ડર ભાવ વધારાનો હતો, પરંતુ તેને દૂર કરતા સંયુક્ત સચિવે જણાવ્યું કે, "આપણી પાસે વિમાનોમાં વપરાતા ઈંધણ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) નો પણ પૂરતો સ્ટોક છે. સૌથી સારી વાત એ છે કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા હાલમાં પેટ્રોલ, ડીઝલ કે અન્ય કોઈ ઈંધણના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી."

સરકારની રાજ્યોને ખાસ ઓફર અને કડક ચેકિંગ

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને એક મોટી ઓફર પણ આપી છે. પત્રમાં જણાવાયું છે કે, જો રાજ્ય સરકારો કોમર્શિયલ LPGના બદલે લાંબા ગાળા માટે PNG (પાઈપલાઈન ગેસ) ના ઉપયોગ તરફ વળવામાં મદદ કરશે, તો તેમને 10% વધારાનો કોમર્શિયલ LPG પૂરો પાડવામાં આવશે.

આ ઉપરાંત, બજારમાં કાળાબજારી કે ખોટો સંગ્રહ ન થાય તે માટે ગઈકાલે મંગળવારે (17 માર્ચ) ઓઇલ કંપનીઓ દ્વારા દેશભરના LPG ડિસ્ટ્રિબ્યુટર્સ પર 2,300 થી વધુ સરપ્રાઈઝ ચેકિંગ (અચાનક નિરીક્ષણ) પણ કરવામાં આવ્યા હતા.