Uniform Civil Code : સુપ્રીમ કોર્ટે ગુજરાત અને ઉત્તરાખંડ દ્વારા સમાન નાગરિક સંહિતાની તપાસ કરવા સમિતિને લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે મહત્વની ટિપ્પણી કરી છે. યુનિફોર્મ સિવિલ કોડની તપાસ કરવા માટે રાજ્ય સરકારના નેજા હેઠળ સમિતિની રચના કરવી જોઈએ. સમિતિની રચના જ તેને કોર્ટમાં પડકારવાનો આધાર નથી તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. 


સુપ્રીમ કોર્ટે ગુજરાત અને ઉત્તરાખંડ અને ગુજરાતની સરકાર દ્વારા UCCના અમલીકરણની તપાસ કરવા માટે સમિતિની રચના સામેની અરજી પર સુનાવણી કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો.


આ સુનાવણી CJI ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેંચે હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન CJI ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેંચે કહ્યું હતું કે, બંધારણની કલમ 162 હેઠળ કાર્યકારી સત્તા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે. તો તેમાં શું ખોટું છે? જેથી કાં તો તમે પિટિશન પાછી ખેંચી લો અથવા અમે તેને ફગાવી દઈશું આ પ્રકારની આકરી ટિપ્પણી પણ દેશની વડી અદાલતે અરજીકર્તાઓને કરી હતી. માત્ર સમિતિની રચના પર બંધારણની વિરુદ્ધ હોવાનું કહીને અરજી દાખલ કરી શકાતી નથી. આ કેસમાં અરજદારે અરજી પાછી ખેંચી હતી.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકાર અને તે અગાઉ ઉત્તરાખંડની સરકારે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરી હતી. જેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ગુજરાત અને ઉત્તરાખંડમાં સમિતિઓની રચના કરવાના નિર્ણયને પડકાર્યો હતો. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડને લગતી અરજીને ફગાવી દીધી છે. અરજીને ફગાવી દેતા CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે, તેમાં શું ખોટું છે (યુનિફોર્મ સિવિલ કોડ માટે કમિટી બનાવવી)? યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરતા પહેલા તેની સાથે સંબંધિત દરેક પાસાઓ પર વિચારણા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.


બેચે કહ્યું હતું કે, બંધારણની કલમ 162 હેઠળ રાજ્યોને સમિતિઓ બનાવવાનો અધિકાર છે. તેને પડકારી શકાય નહીં. આ ટીપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે ગુજરાત અને ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના દરેક પાસાઓ પર વિચારણા કરવા માટે રચાયેલી સમિતિ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.


જાહેર છે કે, ઘણા સમયથી ભાજપના મુખ્ય ચૂંટણી મુદ્દાઓમાં રામજન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ, જમ્મુ અને કાશ્મીરમાં કલમ-370 નાબૂદ અને દેશમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણનો સમાવેશ થાય છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવામાં આવી છે. હવે માત્ર UCCનો મુદ્દો જ બચ્યો છે. ભાજપ એ તરફેણમાં છે કે દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદો હોવો જોઈએ. ધર્મના આધારે કોઈ અલગ વ્યવસ્થા ન હોવી જોઈએ. લગ્ન, છૂટાછેડા અને મિલકત જેવા મુદ્દાઓ પર એક સમાન વ્યવસ્થા હોવી જોઈએ.


મૂળભૂત ફરજો હેઠળ બંધારણની કલમ 44 ઉલ્લેખ કરે છે કે રાજ્ય ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. ગોવા દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં UCC લાગુ કરવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલત પોતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તરફેણમાં ઘણા નિર્ણયો દરમિયાન સંકેત આપી ચુકી છે.