સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વખતે કોટા કોચિંગ સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમજ વાલીઓ પર આકરી ટીપ્પણી કરી હતી. અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યા માટે કોચિંગ સંસ્થાઓને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી કારણ કે માતા-પિતાની અપેક્ષાઓ પણ બાળકોને તેમના જીવનનો અંત લાવવા માટે મજબૂર કરી રહી છે.'                                         


માતા-પિતાનું દબાણ આત્મહત્યાનું કારણ છે 


કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બાળકો વચ્ચેની કઠિન સ્પર્ધા અને તેમના માતા-પિતાનું દબાણ આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓનું કારણ છે.                            


કોર્ટે કહ્યું કે આપણામાંથી મોટા ભાગનાને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પસંદ નથી. આજકાલ પરીક્ષાઓ એટલી સ્પર્ધાત્મક બની ગઈ છે અને માતા-પિતાને તેમના બાળકો પાસેથી એટલી બધી અપેક્ષાઓ હોય છે કે તેઓ તેને પૂરી કરી શકતા નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકો અડધા કે એક માર્કથી નાપાસ થાય છે.          


સમસ્યા માતા-પિતાની છે, કોચિંગ સંસ્થાઓની નહીં.


કોટામાં ખાનગી કોચિંગ સંસ્થાઓને નિયમન કરવા અને તેમના માટે લઘુત્તમ ધોરણો નક્કી કરવા માટે કાયદો બનાવવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બે સભ્યોની બેન્ચે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સમસ્યા માતા-પિતાની છે કોચિંગ સંસ્થાઓની નહીં.              


સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સલાહ આપી કે અરજદાર રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે. કારણ કે ઉલ્લેખિત કેસ મોટાભાગે કોટા સાથે સંબંધિત છે. જોકે, કોટામાં આત્મહત્યા એક મોટો પડકાર બની ગયો છે. આંકડાઓ આ વાતની સાક્ષી પૂરે છે. આ વર્ષે ઓક્ટોબર સુધીમાં કોટામાં 24 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.