એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો મામલો ચર્ચામાં છે. અતુલ વિરુદ્ધ તેની પત્ની દ્વારા દહેજ ઉત્પીડન સહિતના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આનાથી પરેશાન અતુલે આત્મહત્યા કરી જીવનનો અંત કર્યો હતો. અતુલની આત્મહત્યાના સમાચાર વચ્ચે સુપ્રીમ કોર્ટે દહેજ કાયદાના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે દહેજ ઉત્પીડનના મામલામાં અદાલતોએ કાયદાનો દુરુપયોગ અટકાવવા સાવચેતી રાખવી જોઈએ. કોર્ટે કહ્યું કે પતિના સગા સંબંધીઓને ફસાવવાની વૃત્તિને જોતા પરિવારના નિર્દોષ સભ્યોને બિનજરૂરી મુશ્કેલીથી બચાવવા જોઈએ.






ન્યાયમૂર્તિ બીવી નાગરત્ના અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહની બેન્ચે જણાવ્યું હતું કે લગ્ન સંબંધી વિવાદને કારણે ઉદભવતા ફોજદારી કેસમા પરિવારના સભ્યોની સક્રિય સંડોવણીનો સંકેત આપતા આરોપો વિના તેમના નામનો ઉલ્લેખ શરૂઆતથી જ રોકી દેવો જોઇએ


ખંડપીઠે કહ્યું, ન્યાયિક અનુભવથી એ જાણીતી હકીકત છે કે વૈવાહિક વિવાદના કિસ્સામાં ઘણીવાર પતિના પરિવારના તમામ સભ્યોને ફસાવવાની વૃત્તિ હોય છે. નક્કર પુરાવા અથવા ચોક્કસ આરોપો વિના સામાન્ય અને વ્યાપક આરોપો ફોજદારી કાર્યવાહીનો આધાર બનાવી શકાતા નથી. તેથી સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા કિસ્સાઓમાં, અદાલતોએ કાયદાકીય જોગવાઈઓ અને કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ અટકાવવા અને નિર્દોષ પરિવારના સભ્યોને બિનજરૂરી મુશ્કેલીમાંથી બચાવવા માટે સાવચેતી રાખવી જોઈએ.


સુપ્રીમ કોર્ટે મહિલાઓ દ્વારા તેમના પતિ અને પરિવારો વિરુદ્ધ દાખલ કરાયેલા વૈવાહિક વિવાદના કેસોમાં કાયદાના દુરુપયોગ સામે ચેતવણી આપી છે. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી છે કે વ્યક્તિગત બદલો લેવાના સાધન તરીકે તેનો ઉપયોગ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે કલમ 498 (A) હેઠળ એક વ્યક્તિ અને તેના પરિવાર વિરુદ્ધ દાખલ ક્રૂરતાન કેસને ફગાવી દેતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેને તેલંગણા હાઈકોર્ટે અગાઉ ફગાવી દેવાનો ઈન્કાર કરી દીધો હતો.


મહિલાએ તેના પતિ સામે કેસ કર્યો હતો


કલમ 498(A) અથવા ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કલમ 86 પરિણીત મહિલાઓને પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતાનો ભોગ બનવાથી રક્ષણ આપે છે. આ કાયદા હેઠળ આરોપીને ત્રણ વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. મહિલાએ તેના પતિએ લગ્ન રદ કરવાની અરજી કર્યા બાદ કેસ દાખલ કર્યો હતો.


સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા કેસમાં પરિવારના સભ્યોની સંડોવણીના પુરાવા આપ્યા વિના તેમના નામનો માત્ર ઉલ્લેખ ફોજદારી કાર્યવાહીનો આધાર બની શકે નહીં. કોર્ટે કહ્યું કે કલમ 498(A) દાખલ કરવાનો હેતુ રાજ્ય દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ સુનિશ્ચિત કરીને તેના પતિ અને તેના પરિવાર દ્વારા મહિલા પ્રત્યેની ક્રૂરતાને રોકવાનો હતો.


કોર્ટે જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં વૈવાહિક જીવનમાં વધતા વિખવાદ અને તણાવની સાથે સમગ્ર દેશમાં વૈવાહિક વિવાદોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કારણે કલમ 498 (A) જેવી જોગવાઈઓનો દુરુપયોગ કરવાનું વલણ વધી રહ્યું છે. સર્વોચ્ચ અદાલતે વધુમાં જણાવ્યું હતું કે આવા કેસોમાં અસ્પષ્ટ અને સામાન્ય આક્ષેપો કરવાથી કાનૂની પ્રક્રિયાઓનો દુરુપયોગ થાય છે.


કોર્ટે એમ પણ કહ્યું હતું કે કેટલીકવાર પત્નીની ગેરવાજબી માંગણીઓ સંતોષવા માટે પતિ અને તેના પરિવાર વિરુદ્ધ કલમ 498(A) લાગુ કરવાનો આશરો લેવામાં આવે છે. પરિણામે, આ કોર્ટે વારંવાર પતિ અને તેના પરિવાર સામે કાર્યવાહી કરવા સામે ચેતવણી આપી છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તેલંગણા હાઈકોર્ટે કેસને નકારીને ગંભીર ભૂલ કરી છે. કોર્ટે કહ્યું કે પત્ની દ્વારા અંગત ફરિયાદોના સમાધાનના હેતુથી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.


"ફાંસી આપવામાં વિલંબ એ તેને આજીવન કેદમાં પરિવર્તિત કરવા માટેનો આધાર છે" - સુપ્રીમ કોર્ટે