નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં ગેરકાયદેસર ખાણકામ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેનાથી પર્યાવરણને ક્યારેય ન ભરી શકાય તેવું નુકસાન થઈ શકે છે. આ મુદ્દા પર કડક વલણ અપનાવતા કોર્ટે અરવલ્લી પ્રદેશમાં ખાણકામ અને તેના સંબંધિત તમામ પાસાઓની વ્યાપક તપાસ કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી તથા ન્યાયધીશ વિપુલ એમ. પંચોલીની  બેન્ચે જણાવ્યું હતું કે અરવલ્લી પ્રદેશ જેવા સંવેદનશીલ પ્રદેશમાં ગેરકાયદેસર ખાણકામ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે પણ ગંભીર ખતરો છે.

Continues below advertisement

સુપ્રીમ કોર્ટ ઉચ્ચ સ્તરીય નિષ્ણાત કમિટીની રચના કરવાનો નિર્દેશ આપ્યો

કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને એમિકસ ક્યુરી કે. પરમેશ્વરને ચાર અઠવાડિયામાં ખાણકામ સંબંધિત મામલામાં નિષ્ણાત પર્યાવરણવાદીઓ અને વૈજ્ઞાનિકોના નામની ભલામણ કરીને ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કમિટી સુપ્રીમ કોર્ટની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે.

Continues below advertisement

સુનાવણી દરમિયાન કોર્ટને જાણ કરવામાં આવી હતી કે અરવલ્લી પ્રદેશના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓ થઈ રહી છે. એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે કોર્ટને ખાતરી આપી હતી કે રાજ્યમાં કોઈ ગેરકાયદે ખાણકામને મંજૂરી આપવામાં આવશે નહીં.

આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાઓને લઈ તેના 20 નવેમ્બરે આપેલા પોતાના આદેશને હાલમાં સ્થગિત રાખવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે નવી પરિભાષામાં ગંભીર અસ્પષ્ટતાઓ છે,  જેનું સમાધાન કરવાની જરૂર છે.       

ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાયેલી અરવલ્લી પર્વતમાળામાં નવી ખાણકામ લીઝ જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નિષ્ણાત અહેવાલ પ્રાપ્ત થાય ત્યાં સુધી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ નિર્ણય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની એક સમિતિની ભલામણોના આધારે લેવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક અરવલ્લી પર્વતમાળાનું સંરક્ષણ કરવાનો છે. અરવલ્લી ક્ષેત્રમાં ખાણકામ અને સંરક્ષણ અંગેના વધુ નિર્ણયો હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવનાર નિષ્ણાત સમિતિના અહેવાલના આધારે લેવામાં આવશે.