સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ એનવી રમણની અધ્યક્ષતાવાળી બેન્ચમાં જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બીઆર ગવઇએ આ મહત્વપૂર્ણ ચકાદો સંભળાવ્યો છે. કાશ્મીરમાં ચાલી રહેલા પ્રતિબંધોની વિરૂદ્ધ જનહિત અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં હિંસાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આપણે સ્વતંત્રતા અને સુરક્ષામાં સંતુલન બનાવી રાખવું પડશે. નાગરિકોના અધિકારોની રક્ષા પણ જરૂરી છે. ઇન્ટરનેટને જરૂર પડવા પર જ બંધ કરવું જોઇએ. કોર્ટે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકતંત્રનું અંગ છે. ઇન્ટરનેટના ઉપયોગની સ્વતંત્રતા પણ કલમ 19 (1)નો હિસ્સો છે. કોર્ટે એમ પણ કહ્યું કે કલમ 144નો ઉપયોગ કોઇના વિચારોને દબાવા માટે કરી શકાય નહીં.