નવી દિલ્હીઃ કોરોના વાયરસ અને પૂરને કારણે બિહાર વિધાનસભા ચૂંટણી હાલમાં ન કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલમાં ચૂંટણી પંચે તારીખ નક્કી કરતાં નોટિફિકેશન બહાર પાડ્યું નથી. પંચ સ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવા માટે સક્ષમ છે.


અવિનાશ ઠાકુર નામના અરજીકર્તાએ કહ્યું હતું કે, કોરોના અને પૂરને ધ્યાનમાં રાખતા હાલમાં બિહારમાં ચૂંટણી કરાવવાની સ્થિતિમાં નથી. સુપ્રીમ કોર્ટે ચૂંટણીનો નોટિફિકેશન બહાર પડ્યા પહેલા દાખલ કરવામાં આવેલ આ અરજીને સાંભળવાની ના પાડી દીધી.

નોંધનીય છે કે, ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, બિહારમાં કોરના કેસની સાથે જ પૂરનું જોખમ પણ છે. જેથી વિધાનસભા ચૂંટણી રોકવામાં આવે. જ્યારે સુપ્રીમ કોર્ટે બિહાર વિધાનસભા ચૂંટણીને લીલી ઝંડી આપતા કહ્યું કે, કોરોના કોઈપણ સ્થિતિમાં વિધાનસભા ચૂંટણી રોકવા માટે મોટું કારણ ન હોઈ શકે.