Satyendar Jain Bail: સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તેમની ખરાબ તબિયતને ધ્યાનમાં રાખીને સારવાર માટે જામીન આપવામાં આવ્યા છે.
સત્યેન્દ્ર જૈનની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હતી. ગુરુવારે (25 મે) તેઓ જેલના વોશરૂમમાં બેહોશ થઈ ગયા હતા અને ત્યારબાદ તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
EDએ તેમના જામીન અંગે સુપ્રીમ કોર્ટમાં કરવામા આવનારી સુનાવણીનો વિરોધ કર્યો હતો. ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં જેલ અને આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે, તેથી LNJP હોસ્પિટલના રિપોર્ટ પર વિશ્વાસ કરી શકાય નહીં. અમે માંગ કરીએ છીએ કે AIIMSના ડોક્ટરોનું એક સ્વતંત્ર મેડિકલ બોર્ડ તેમના સ્વાસ્થ્યની તપાસ કરે અને તેના આધારે જો લાગે કે તેમને જામીન આપવા જોઇએ તો કોર્ટ તેનો નિર્ણય લઇ શકે છે.
ED તરફથી હાજર રહેલા વકીલને સાંભળ્યા બાદ કોર્ટે સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા.
કોર્ટની કાર્યવાહી દરમિયાન શું થયું?
સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આજે હું માત્ર સ્વાસ્થ્યના આધારે જામીનની માંગ કરી રહ્યો છું. જેના પર ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ પીએસ રાજુએ કહ્યું હતું કે હેલ્થ ચેકઅપ AIIMSની પેનલ દ્વારા કરાવવું જોઈએ. અમે LNJPના રિપોર્ટ પર વિશ્વાસ કરી શકતા નથી. તેઓ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે, ડૉક્ટરો સાથે તેઓ પરિચિત છે. AIIMS અથવા RMLની પેનલ દ્વારા આની તપાસ થવી જોઈએ.
સત્યેન્દ્ર જૈન છેલ્લા 1 વર્ષથી જેલમાં છે. દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં જ તેની જામીન અરજી ફગાવી દીધી હતી. જૈને દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જૈન તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, તેમનું વજન 35 કિલો ઘટી ગયું છે અને હવે તેઓ હાડપિંજર બની ગયા છે.
સત્યેન્દ્ર જૈનની ગયા વર્ષે મે મહિનામાં 2017ના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 24 ઓગસ્ટ 2017ના રોજ, સીબીઆઈએ સત્યેન્દ્ર જૈન અને અન્ય લોકો સામે IPCની કલમ 109 અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસ અપ્રમાણસર સંપત્તિનો હતો.