Supreme Court Hearing on VVPAT: સુપ્રીમ કોર્ટમાં  ગુરુવારે (18 એપ્રિલ) EVM-VVPAT કેસ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ. ચૂંટણી પંચને સવાલ કરવામાં આવ્યો હતો કે તે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવા માટે લેવામાં આવેલા પગલાઓની વિગતવાર માહિતી આપે. કોર્ટ VVPAT સિસ્ટમ દ્વારા જનરેટ થયેલી સ્લિપ સાથે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોને મેચ કરવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરી રહી છે.






ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે "આ (એક) ચૂંટણી પ્રક્રિયા છે. તેમાં પવિત્રતા હોવી જોઈએ. કોઈને એવી આશંકા ન હોવી જોઈએ કે જે અપેક્ષા રાખવામાં આવે છે તે થઈ રહ્યું નથી." ચૂંટણી પંચ તરફથી એડવોકેટ મનિન્દર સિંહ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે અરજદારો તરફથી એડવોકેટ નિઝામ પાશા અને પ્રશાંત ભૂષણ હાજર રહ્યા હતા.


VVPAT મશીનમાં પારદર્શિતા લાવવાની માંગ ઉઠી


સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે ઓછામાં ઓછો એવો આદેશ આપવો જોઈએ કે VVPAT મશીન પારદર્શક હોવું જોઈએ અને તેમાં રહેલો બલ્બ સતત ચાલુ રહેવો જોઈએ, જેથી મતદારને સંપૂર્ણ પુષ્ટી મળી શકે. એડવોકેટ સંજય હેગડેએ જણાવ્યું હતું કે તમામ VVPAT સ્લિપની ગણતરી કરવા માટે વિચારણા કરવી જોઈએ. જો હવે આ કરી શકાતું નથી તો અદાલતે હવે યોજાનારી ચૂંટણીની નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે કેટલાક વચગાળાના આદેશો આપવા જોઈએ. બાકીના મુદ્દાઓ પછી સાંભળવા જોઈએ.






આ દરમિયાન એક વકીલે કહ્યું હતું કે EVM બનાવનારી કંપનીઓના એન્જિનિયર તેમને નિયંત્રિત કરી શકે છે. કોર્ટે આને નકામી દલીલ ગણાવી હતી. ન્યાયાધીશોએ ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહને કહ્યું હતું કે VVPAT સંબંધિત પ્રક્રિયા અંગે કોર્ટને પોતે અથવા કોઈ અધિકારી જાણકારી આપે. આના પર મનિન્દર સિંહે કહ્યું કે કોર્ટના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે પરંતુ તેઓ નમ્રતાપૂર્વક કહેવા માંગે છે કે તમામ અરજીઓ માત્ર આશંકાઓ પર આધારિત છે. તેમણે કહ્યું કે VVPAT માત્ર એક પ્રિન્ટર છે.


ચૂંટણી પંચે કહ્યું VVPAT કેવી રીતે કામ કરે છે?


ચૂંટણી પંચના એક અધિકારીએ ન્યાયાધીશોને સંબોધતા કહ્યું કે બટન યુનિટમાં માત્ર એ જ માહિતી હોય છે કે કયા નંબરનું બટન દબાવવામાં આવ્યું હતું. આ માહિતી કંટ્રોલ યુનિટ પાસે જાય છે. કંન્ટ્રોલ યુનિટ પાસેથી VVPAT ને પ્રિન્ટિંગનો  કમાન્ડ જાય છે. જેના પર જજે પૂછ્યું હતું કે તો પછી VVPAT કેવી રીતે જાણી શકે કે કયું પ્રતીક પ્રકાશિત કરવાનું છે?


અધિકારીએ કહ્યું કે એક ખૂબ જ નાનું સિમ્બોલ લોડિંગ યુનિટ છે, જે ટીવીના રિમોટના આકાર જેટલું છે. તેને બહારથી નિયંત્રિત કરી શકાતું નથી કારણ કે તે ઈન્ટરનેટ અથવા કોઈપણ બાહ્ય નેટવર્કથી કનેક્ટ થઈ શકતું નથી. આ યુનિટ કંટ્રોલ યુનિટમાંથી મળેલા કમાન્ડ પર પ્રક્રિયા કરીને VVPAT ને  જાણકારી આપે છે.


ઉમેદવારોની હાજરીમાં પ્રતીક અને સીરીયલ નંબર અપલોડ કરવામાં આવે છે: ચૂંટણી પંચ


સુનાવણી દરમિયાન ન્યાયાધીશે પૂછ્યું કે આ યુનિટમાં કઇ કઇ જાણકારી હોય છે? તે ક્યારે અપલોડ થાય છે? જવાબમાં અધિકારીએ કહ્યું હતું કે તેમાં સીરીયલ નંબર, સિમ્બોલ અને નામ હોય છે. તે ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં મતદાનના એક અઠવાડિયા પહેલા અપલોડ કરવામાં આવે છે. આ પછી તેને બદલી શકાય નહીં. તેમણે વધુમાં કહ્યું કે પ્રતિનિધિઓને એ વાતની પુષ્ટી કરાવવામાં આવે છે કે દબાવવામાં આવેલ બટનની સ્લિપ એ જ હતી જે VVPATમાંથી બહાર આવી હતી.


EVM સાથે છેડછાડ શક્ય નથી: ચૂંટણી પંચ


VVPAT કેસની સુનાવણી કરી રહેલા જજે ચૂંટણી પંચના અધિકારીને પૂછ્યું, તમારી પાસે કેટલા VVPAT છે? અધિકારીએ કહ્યું કે અમારી પાસે 17 લાખ VVPAT છે. આના પર જજે સવાલ કર્યો કે EVM અને VVPATના નંબર કેમ અલગ-અલગ છે? અધિકારીએ આ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ન્યાયાધીશને લાગ્યું કે તેમનો પ્રશ્ન ચર્ચાને ભટકારી રહ્યો છે તેથી તેમણે અધિકારીને જવાબ ન આપવા કહ્યું હતું


કોર્ટે અધિકારીને પૂછ્યું હતું કે અલગ-અલગ સમયે મશીનને હેન્ડલ કરતા લોકો પાસે તેના ડેટા વિશે શું માહિતી હોય છે. અધિકારીએ દરેક બાબતના સંતોષકારક જવાબો આપ્યા. તેમણે કહ્યું કે ડેટા વિશે જાણવું કે તેની સાથે છેડછાડ કરવી શક્ય નથી. અધિકારીએ એમ પણ કહ્યું કે મોક પોલમાં ઉમેદવારો તેમની ઈચ્છા મુજબ કોઈપણ મશીનનું પરીક્ષણ કરી શકે છે.


તેમણે કહ્યું કે 100 ટકા મશીન મોક પોલમાંથી પસાર થાય છે. જો કે, ઉમેદવારો માત્ર 5 ટકા જ તપાસ કરે છે. તેના પર કોર્ટે સવાલ કર્યો કે એક મિનિટમાં કેટલા વોટ પડે છે. જેના જવાબમાં અધિકારીએ કહ્યું કે 4થી ઓછા વોટ પડે છે.