સરકારી નોકરીઓ અને IIT-IIM જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત મળ્યા પછી હવે સુપ્રીમ કોર્ટે પણ આ દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કોર્ટે OBC (અન્ય પછાત વર્ગો) ને અનામત આપવાનો નિર્ણય લીધો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટે તેના બિન-ન્યાયિક કર્મચારીઓની નિમણૂક પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), દિવ્યાંગ, ભૂતપૂર્વ સૈનિકો અને સ્વતંત્રતા સેનાનીઓના આશ્રિતો સાથે સાથે OBC ને અનામતનો લાભ આપવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
6 દાયકા જૂના નિયમમાં સુધારો
આ ફેરફાર હેઠળ સુપ્રીમ કોર્ટના ઓફિસર્સ એન્ડ સર્વન્ટ્સ (કન્ડીશન્સ ઓફ સર્વિસ એન્ડ કંડક્ટ) નિયમો, 1961ના નિયમ 4A માં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારો બંધારણની કલમ 146 (2) હેઠળ મુખ્ય ન્યાયાધીશની સત્તાઓનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ બધી શ્રેણીઓને કેન્દ્ર સરકાર દ્ધારા સમયાંતરે જાહેર કરાયેલા આદેશો અને સૂચનાઓ અનુસાર, તે જગ્યાઓ માટે નિર્ધારિત પગાર ધોરણ મુજબ અનામત મળશે.
સુપ્રીમ કોર્ટે 33 વર્ષ પછી પગલું ભર્યું
આ નિર્ણય ફક્ત વહીવટી પરિવર્તન નથી પરંતુ ન્યાયિક પ્રણાલીમાં સમાવેશકતા તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ પગલું 1992માં ઇન્દિરા સાહની વિરુદ્ધ ભારત સરકાર કેસમાં નવ ન્યાયાધીશોની બેન્ચે OBC ને 27 ટકા અનામત આપવાને બંધારણીય રીતે માન્ય રાખ્યાના ઐતિહાસિક નિર્ણયના 33 વર્ષ પછી ભર્યું છે. આમ છતાં OBC શ્રેણીને અત્યાર સુધી સુપ્રીમ કોર્ટની આંતરિક ભરતીઓમાં અનામતનો લાભ આપવામાં આવતો ન હતો. અગાઉની મનમોહન સિંહ સરકારમાં માનવ સંસાધન વિકાસ મંત્રી રહેલા અર્જુન સિંહે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં OBC શ્રેણી માટે અનામતનો માર્ગ મોકળો કર્યો હતો.
રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ પી. વિલ્સન લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં OBC અનામતની માંગ કરી રહ્યા હતા. તેમણે તેને 'ઐતિહાસિક સુધારો' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ સુધારો હવે સુપ્રીમ કોર્ટની ભરતીઓને રાષ્ટ્રીય સ્તરે લાગુ પડતા અનામત ધોરણો સાથે સુસંગત બનાવશે.
આટલું જ નહીં, મુખ્ય ન્યાયાધીશ ગવઈએ SC અને ST વર્ગો માટે એક સ્પષ્ટ રોસ્ટર સિસ્ટમ લાગુ કરવાની પહેલ પણ કરી છે, જે આર.કે. સભરવાલ વિરુદ્ધ હરિયાણા રાજ્ય (1995) કેસમાં સુપ્રીમ કોર્ટ દ્ધારા સૂચવેલી 200-પોઇન્ટ રોસ્ટર સિસ્ટમ સાથે સુસંગત છે. આ સિસ્ટમ ખાતરી કરશે કે સામાન્ય અને અનામત વર્ગો વચ્ચે વાજબી સંતુલન જાળવવામાં આવે.
દેશના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટના આંતરિક નિયમોમાં આટલો વ્યાપક સુધારો કરવામાં આવ્યો છે. દાયકાઓ પહેલા સામાજિક ન્યાયના સિદ્ધાંતોને માન્યતા આપતી સુપ્રીમ કોર્ટ આજે પોતાની અંદર સમાન ન્યાયનો અમલ કરતી જોવા મળી રહી છે.