Supreme Court:  સમયસર ફી ન ભરવાના કારણે IIT એડમિશનથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને IIT ધનબાદમાં એડમિશનનો આદેશ આપ્યો હતો. યુપીના મુઝફ્ફરનગરમાં રહેતા અતુલને IIT ધનબાદમાં સીટ મળી હતી પરંતુ ગરીબીને કારણે તે એડમિશન ફી ભરી શક્યો ન હતો.






જણાવવામાં આવ્યું હતું કે અતુલ 17,500 રૂપિયાની ઓનલાઈન એડમિશન ફી ભરવામાં થોડી મિનિટો મોડો પડ્યો હતો. આ પછી અતુલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે નિર્દેશ આપ્યો કે અરજદારને IIT ધનબાદમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે.


CJI DY ચંદ્રચુડે શું કહ્યું ?


ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે અમે આવા યુવાન પ્રતિભાશાળી છોકરાને જવા દઈ શકીએ નહીં. જો કે, અતુલની અરજીનો વિરોધ કરતા IIT સીટ એલોકેશન ઓથોરિટીના વકીલે કહ્યું કે લોગિન વિગતોથી ખબર પડે છે કે લોગિન બપોરે 3 વાગ્યે થયું હતું જે છેલ્લી મિનિટનું લોગિન નહોતું.



કોર્ટે આદેશમાં શું કહ્યું ?


CJI DY ચંદ્રચુડે કહ્યું, 'એક જ વસ્તુ જેણે તેમને રોક્યા તે ચૂકવવામાં તેમની અસમર્થતા હતી અને સુપ્રીમ કોર્ટ તરીકે અમારે આની તપાસ કરવી પડશે. કોર્ટે તેની સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિને પણ ધ્યાનમાં રાખવી પડશે. કોર્ટે આદેશમાં કહ્યું કે અમારું માનવું છે કે અરજદાર જેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીને લાચાર ન છોડવો જોઈએ. બંધારણના અનુચ્છેદ 142 હેઠળ કોર્ટને આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સંપૂર્ણ ન્યાય કરવાનો અધિકાર છે.


જસ્ટિસ પારડીવાલાએ શું કહ્યું ?


જસ્ટિસ પારડીવાલાએ IIT સીટ એલોકેશન ઓથોરિટીના વકીલને કહ્યું, 'તમે આટલો વિરોધ કેમ કરી રહ્યા છો ? તમારે જોવું જોઈએ કે આમા શું કરી શકાય છે. અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે અતુલના પિતા 450 રૂપિયાના રોજના વેતન પર કામ કરતા હતા, તેમના માટે 17,500 રૂપિયાની રકમની વ્યવસ્થા કરવી એક મોટું કામ હતું અને તેમણે આ રકમ ગ્રામજનો પાસેથી એકઠી કરી હતી.