નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ, કલમ 370ને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો વધુ સમય આપ્યો, હવે આ મામલાની સુનાવણી 14 નવેમ્બરે થશે.


સુપ્રીમ કોર્ટે અરજીકર્તાની અરજીને ફગાવી દીધી, જેમાં લખ્યુ હતુ કે, કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર તંત્રને જવાબી સ્ટેટમેન્ટ દાખલ કરવા માટે બે અઠવાડિયાથી વધુ સમય ના આપવામાં આવે. સાથે કલમ 370ને નાબુદ કરવાની બંધારણીય વૈધતાને પડકારતી કોઇપણ નવી રિટ અરજી દાખલ કરવા માટે રોક લગાવી દીધી છે.



વળી, સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ (યૂનિયન ટેરેટરી) બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાની અરજી કરવામાં આવી હતી. કેન્દ્રના નિર્ણય પ્રમાણે 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીર બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) વહેંચાઇ જશે.