Supreme Court breakup rape case: સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે બે પુખ્ત વયના વ્યક્તિઓ વચ્ચે સંમતિથી બંધાયેલા સંબંધો તૂટી જવાને ફોજદારી ગુનો કે બળાત્કાર ગણી શકાય નહીં. ઔરંગાબાદના એક વકીલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા બળાત્કારના કેસને રદ કરતી વખતે, જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે અવલોકન કર્યું હતું કે, માત્ર લગ્ન ન થવાને કારણે લાંબા સમય સુધી ચાલેલા શારીરિક સંબંધોને બળાત્કારમાં ખપાવી શકાય નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે "બળાત્કાર અને સંમતિથી થયેલા જાતીય સંભોગ વચ્ચે સ્પષ્ટ તફાવત છે," અને દરેક નિષ્ફળ સંબંધને ગુનાહિત રંગ આપવો એ કાયદાનો દુરુપયોગ છે.
બળાત્કાર અને સંમતિ વચ્ચેની ભેદરેખા
સર્વોચ્ચ અદાલતની બેન્ચે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટે દરેક કેસમાં કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ કે આરોપીનો ઈરાદો શરૂઆતથી જ માત્ર વાસના સંતોષવાનો હતો કે પછી ખરેખર લગ્ન કરવાનો હતો. બેન્ચે નોંધ્યું હતું કે, "જો કોઈ યુગલ વચ્ચે સંમતિથી શારીરિક સંબંધો બંધાયા હોય અને પાછળથી કોઈ કારણસર લગ્ન ન થઈ શકે, તો તે સંબંધને શરૂઆતથી જ ગુનાહિત ગણી શકાય નહીં." બળાત્કારનો આરોપ સાબિત કરવા માટે એ બતાવવું જરૂરી છે કે લગ્નનું વચન શરૂઆતથી જ છેતરપિંડીભરેલું હતું અને મહિલાની સંમતિ માત્ર તે ખોટા વચન પર આધારિત હતી.
શું હતો સમગ્ર મામલો?
આ કેસ વર્ષ 2024 માં છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) માં દાખલ કરાયેલી એક FIR સાથે સંબંધિત છે. ફરિયાદી મહિલા, જે તેના પતિથી અલગ રહેતી હતી, તે 2022 માં ભરણપોષણના કેસ દરમિયાન એક વકીલના સંપર્કમાં આવી હતી. સમય જતાં બંને વચ્ચે નિકટતા વધી અને શારીરિક સંબંધો બંધાયા હતા.
મહિલાનો આરોપ હતો કે વકીલે લગ્નનું વચન આપીને તેની સાથે સંબંધ રાખ્યા હતા, જેના કારણે તે ઘણીવાર ગર્ભવતી બની હતી અને ગર્ભપાત પણ કરાવ્યો હતો. જ્યારે વકીલે લગ્ન કરવાનો ઇનકાર કર્યો, ત્યારે મહિલાએ બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. અગાઉ બોમ્બે હાઈકોર્ટે વકીલની FIR રદ કરવાની અરજી ફગાવી દીધી હતી, જેને સુપ્રીમ કોર્ટે ઉલટાવી દીધી છે.
બચાવ પક્ષની દલીલ અને કોર્ટનું તારણ
આરોપી વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે મહિલાએ 1.5 Lakh રૂપિયાની માંગણી કરી હતી, અને તે ચૂકવવાનો ઇનકાર કર્યા પછી જ બદલો લેવાની ભાવનાથી આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું કે 3 વર્ષના સંબંધ દરમિયાન મહિલાએ ક્યારેય જાતીય સતામણીની ફરિયાદ કરી ન હતી.
કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખતા જણાવ્યું હતું કે, "બંને વચ્ચેના સંબંધો સ્વૈચ્છિક હતા અને 3 વર્ષથી વધુ સમય સુધી ચાલ્યા હતા. આ કેસમાં એવું નથી કે આરોપીએ પીડિતાને માત્ર શારીરિક સુખ માટે લલચાવી અને પછી ગાયબ થઈ ગયો." કોર્ટને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી સાબિત થાય કે લગ્નનું વચન શરૂઆતથી જ ખોટું હતું.
કાયદાના દુરુપયોગ સામે ચેતવણી
સુપ્રીમ કોર્ટે બળાત્કારના કાયદાના વધતા દુરુપયોગ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ચુકાદામાં જણાવાયું છે કે, "દરેક નિષ્ફળ સંબંધ કે બ્રેકઅપને બળાત્કારના ગુનામાં ફેરવી દેવાથી વાસ્તવિક બળાત્કારના ગુનાઓની ગંભીરતા ઘટી જાય છે. આનાથી આરોપી પર કાયમી કલંક લાગે છે અને તેની સાથે ઘોર અન્યાય થાય છે."
શિક્ષિત મહિલા અને સંમતિનો પ્રશ્ન
ન્યાયાધીશોએ નોંધ્યું હતું કે ફરિયાદી મહિલા એક પુખ્ત અને શિક્ષિત વ્યક્તિ છે. તેણી તેના લગ્નજીવનના વિવાદો હોવા છતાં સ્વેચ્છાએ વકીલ સાથે સંબંધમાં રહી હતી. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે જ્યારે બે પુખ્ત વયના લોકો લાંબા સમય સુધી પોતાની મરજીથી સંબંધમાં રહે છે, ત્યારે પાછળથી સંમતિને 'પાછલી અસરથી' (Retrospectively) પાછી ખેંચી શકાતી નથી. આથી, આ કેસમાં ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી એ ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે.