નવી દિલ્હી: NEET-JEE પરીક્ષા મામલે દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. બંધ ચેમ્બરમાં અરજી જોયા પછી જજોએ તેને ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરવાને લાયક ગણાવી નથી અને અરજીને નકારી દીધી છે.


પશ્ચિમ બંગાળના મોલોય ઘટક, ઝારખંડના રામેશ્વર ઉરાંવ, છત્તીસગઢના અમરજીત ભગત, પંજાબના બલબીર સિદ્ધુ, મહારાષ્ટ્રના ઉદય સામંત અને રાજસ્થાનના રઘુ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

બિન ભાજપ શાસિત 6 રાજ્યોના મંત્રીઓએ અરજી દાખલ કરી હતી. 17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે પરીક્ષા પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. જેના પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 1 સપ્ટેમ્બરથી JEEની પરીક્ષા શરુ થઈ ગઈ છે. NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે છે.

આ પહેલા 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે, દેશમાં જે ગતિએ હાલમાં કોરોના ફેલાઈ રહ્યો છે. તેને જોતા અત્યારે પરીક્ષાનું આયોજન વિદ્યાર્થીઓ માટે અને તેમના પરિવારના સ્વાસ્થ્યને ગંભીર ખતરો પેદા કરી શકે છે. તેથી સમાન્ય સ્થિતિ થાય ત્યાં સુધી પરીક્ષા સ્થગિત કરવામાં આવે. પરંતુ કોર્ટે રાષ્ટ્રીય સ્તર પર મેડિકલ અને એન્જીનિયરિંગમાં દાખલ થવા માટે લેવાનારી પરીક્ષા સ્થિત કરવાનો આદેશ આપવા ઈનકાર કરી દીધો હતો.