નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વનો ફેંસલો આપ્યો હતો. જે મુજબ જેમના મોત કોરોનાના કારણે થયા હોય તેમના પરિવારજનોને સરકાર વળતર આપે. પરંતુ આ વળતર કેટલું હોવું જોઈએ તે સરકાર ખુદ નક્કી કરશે. સુપ્રીમ કોર્ટે એમ પણ સ્વીકાર્યુ કે કોવિડથી થયેલા મોત પર ચાર લાખ રૂપિયાનું વળતર ન આપી શકાય.
સુપ્રીમ કોર્ટે આ સાથે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરરિટીને ઓછામાં ઓછું વળતર આપી શકાય તે માટે સિસ્ટમ બનાવવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત કોવિડ સાથે સંકળાયેલા ડેથ સર્ટિફિકેટ જાહેર કરવા અને જે સર્ટિફિકેટ પહેલા જાહેર થઈ ચુક્યા છે તેમાં સુધારો કરવાનો આદેશ આપ્યો હતો.
અરજીકર્તાએ જે લોકોના કોરોનાથી મોત થયા છે તેમના પરિવારજનોને ચાર લાખ રૂપિયા સુધીનું વળતર મળે તેવી અપીલ કરી હતી. ઉપરાંત અરજીમાં કોવિડ ડેથ સર્ટિફિકેટને લઈ સવાલ કરવામાં આવ્યા હતા.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,951 કેસ નોંધાયા હતા અને 817 લોકોના મોત થયા હતા. જ્યારે 60729 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે દેશમાં 37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે.
દેશમાં સતત 48મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 29 જૂન સુધી દેશભરમાં 33 કરોડ 28 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 16 લાખ 21 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 21 લાખથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 03 લાખ 62 હજાર 848
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 94 લાખ 27 હજાર 330
- કુલ એક્ટિવ કેસ - 5 લાખ 37 હજાર 064
- કુલ મોત - 3 લાખ 98 હજાર 454