નવી દિલ્હી :  એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ કાર ચાલક કોઈ ચેતવણી વગર હાઇવે પર અચાનક બ્રેક લગાવે છે, તો તેને રોડ અકસ્માતના કિસ્સામાં બેદરકારી ગણી શકાય. મંગળવારે ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને અરવિંદ કુમારની બેન્ચે જણાવ્યું હતું કે હાઇવેની વચ્ચે અચાનક વાહન રોકનાર ડ્રાઇવર, ભલે તે વ્યક્તિગત કટોકટીના કારણે હોય તેને વાજબી ઠેરવી શકાય નહીં કારણ કે તે રસ્તા પરના અન્ય લોકો માટે જોખમી બની શકે છે.

બેન્ચ માટે ચુકાદો લખનારા ન્યાયાધીશ ધુલિયાએ કહ્યું કે હાઇવે પર વાહનોની ઝડપી ગતિ અપેક્ષિત છે અને જો કોઈ ડ્રાઇવર પોતાનું વાહન રોકવા માંગે છે, તો તેની જવાબદારી છે કે તે રસ્તા પર પાછળ રહેલા અન્ય વાહનોને ચેતવણી આપે અથવા સંકેત આપે.

એન્જિનિયરિંગ વિદ્યાર્થીની અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય

આ ચુકાદો એન્જિનિયરિંગ વિદ્યાર્થી એસ. મોહમ્મદ હકીમની અરજી પર આવ્યો છે, જેનો ડાબો પગ 7 જાન્યુઆરી, 2017 ના રોજ કોઈમ્બતુરમાં થયેલા માર્ગ અકસ્માત બાદ કાપી નાખવો પડ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે હાકીમની મોટરસાઇકલ અચાનક બંધ પડેલી કારના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. પરિણામે, હકીમ રસ્તા પર પડી ગયો અને પાછળથી આવતી બસે તેને ટક્કર મારી હતી.

કાર ચાલકે કોર્ટમાં આ દલીલ કરી હતી

કાર ચાલકે દાવો કર્યો હતો કે તેની ગર્ભવતી પત્નીને ઉબકા આવવા લાગતા તેણે અચાનક બ્રેક લગાવી હતી. જોકે, કોર્ટે આ ખુલાસાને ફગાવી દેતા કહ્યું કે, "હાઇવેની વચ્ચે અચાનક કાર રોકવા બદલ કાર ચાલકે આપેલો ખુલાસો કોઈપણ દૃષ્ટિકોણથી વાજબી નથી. કોર્ટે અપીલકર્તાને બેદરકારી માટે માત્ર 20 ટકા સુધી જવાબદાર ઠેરવ્યા હતા, જ્યારે કાર ચાલક અને બસ ચાલકને અનુક્રમે 50 ટકા અને 30 ટકા સુધી બેદરકારી માટે જવાબદાર ઠેરવ્યા હતા.

આટલું વળતર પીડિતને આપવામાં આવશે

કોર્ટે વળતરની કુલ રકમ રૂ. 1.14 કરોડ હોવાનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ અપીલકર્તાની સહભાગી બેદરકારીને કારણે તેમાં 20 ટકાનો ઘટાડો કર્યો હતો, જે બંને વાહનોની વીમા કંપનીઓ દ્વારા ચાર અઠવાડિયામાં તેને ચૂકવવાની રહેશે. આ કિસ્સામાં, મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલે કાર ચાલકને નિર્દોષ જાહેર કર્યો હતો અને અપીલકર્તા અને બસ ચાલકની બેદરકારીને 20:80 ના ગુણોત્તરમાં ફટકારી હતી.