નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મોહમ્મદ પયગંબર પર ટિપ્પણી મામલે ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને સખત ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નુપુર શર્માએ ટીવી પર સમગ્ર દેશની માફી માંગવા માટે કહ્યું હતું. ઉપરાંત, કોર્ટે કહ્યું છે કે ઉદયપુરની ઘટના તેમના કારણે બની હતી.
સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને કહ્યું કે તમે પોતાને વકીલ કહો છો તેમ છતાં તમે બિનજવાબદારીપૂર્વ નિવેદન આપ્ચું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સત્તાનો નશો ના થાય. એટલું જ નહી સુપ્રીમ કોર્ટે એ ટીવી ચેનલને પણ ફટકાર લગાવી હતી જેની ડિબેટમાં નૂપુર શર્માએ આ વિવાદીત નિવેદન આપ્યું હતું. કોર્ટે પૂછ્યું કે જો ચેનલના એન્કરે ભડકાવવાનું કામ કર્યું છે તો તેના વિરુદ્ધ કેસ કેમ દાખલ ના કરવો જોઇએ?
નોંધનીય છે કે નુપુર શર્મા ભાજપની પ્રવક્તા રહી ચુકી છે. તેણે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પયંગબર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કુવૈત, યુએઈ, કતાર સહિતના તમામ મુસ્લિમ દેશોએ પણ તેના નિવેદનની ટીકા કરી હતી. આ પછી ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા.
પયગંબર મોહમ્મદ વિશે કરેલી ટિપ્પણીને લઈને નૂપુર શર્મા વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. એટલું જ નહીં, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં તેની સામે કેસ પણ નોંધાયેલા છે. સાથે જ નુપુર શર્માએ તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.