Supreme Court on Yogi bulldozer action: ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટે યોગી આદિત્યનાથ સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના મકાનો તોડી પાડવા બદલ સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તોડી પાડવામાં આવેલા તમામ મકાનોને ઉત્તર પ્રદેશ સરકારે ફરીથી બનાવવા પડશે.


જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બે જજોની ખંડપીઠે બુધવારે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. ખંડપીઠે મનસ્વી રીતે મકાનો તોડી પાડવા સામે સખત વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આ કાર્યવાહી "આઘાતજનક અને ખોટો સંદેશો" આપે છે. કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો કે ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવેલા બાંધકામોને તાત્કાલિક ધોરણે ફરીથી બનાવવામાં આવે.


સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ભારતીય બંધારણની કલમ 21ની યાદ અપાવી હતી. બેન્ચે ટિપ્પણી કરી કે, "આ કાર્યવાહી ખરેખર ચોંકાવનારી છે અને સમાજમાં ખોટો સંદેશો જાય છે. આ એક એવી બાબત છે જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે. તમે મકાનો તોડી પાડવા જેવી કડક કાર્યવાહી કરી રહ્યા છો. અમે કાયદાકીય દલીલોને સમજીએ છીએ, પરંતુ છેવટે, કલમ 21 અને આશ્રયના અધિકાર જેવી મૂળભૂત બાબતો પણ છે." કલમ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપે છે, અને તેમાં આશ્રયનો અધિકાર પણ સમાવિષ્ટ છે.


રાજ્ય સરકારના એટર્ની જનરલ આર. વેંકટરામાણીએ સરકારની કાર્યવાહીનો બચાવ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે મકાનમાલિકોને ડિમોલિશન નોટિસનો જવાબ આપવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જો કે, અરજદારોના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ફક્ત એ ધારણાના આધારે મકાનો તોડી પાડ્યા કે આ જમીન ગેંગસ્ટર અતીક અહેમદની છે, જેની 2023માં હત્યા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ ઝુલ્ફીકાર હૈદર, પ્રોફેસર અલી અહેમદ અને અન્ય અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.


એક તરફ સુપ્રીમ કોર્ટ સરકારને ઠપકો આપી રહી હતી, તો બીજી તરફ પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીડીએ) દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. પીડીએની ટીમે અતીક અહેમદ સાથે જોડાયેલા બિલ્ડરો અને પ્લોટિંગ કરનારાઓ વિરુદ્ધ બુલડોઝર ચલાવીને 18 વીઘાથી વધુ જમીન ખાલી કરાવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડીએ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલા બિલ્ડરો અતીક અહેમદના નજીકના સાથી હોવાનું કહેવાય છે.


આ પણ વાંચો.....


પાટણ કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ મોબાઈલથી રીલ બનાવી વાયરલ કરી, પ્રશાસન સામે સવાલો ઉઠ્યા