કોર્ટે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને મધ્યસ્થી તરીકે નિમણૂક કરી છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે લોકોને પોતાનો અવાજ સમાજ સુધી પહોંચાડવાનો અધિકાર છે. અમે અધિકારોની રક્ષા કરવાના વિરોધની સામે નથી. લોકતંત્રમાં પોતાનો અવાજ જરૂર પહોચાડો. સમસ્યા દિલ્હીના ટ્રાફિકને લઇને છે. જો તમામ લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા તો શું થશે. આ જનજીવનને ઠપ્પ કરવાની સમસ્યા સાથે જોડાયેલો મુદ્દો છે. શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે વાત કરવી જોઇએ. સાથે કોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને પ્રદર્શનકારીઓને હટાવવાના ઓપ્શન પર ચર્ચા કરવા કહ્યું છે.
નોંધનીય છે કે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધમા પ્રદર્શન ચાલી રહ્યું છે. આ કારણે રસ્તો બંધ છે. આ રોડ દિલ્હી અને નોઇડાને જોડે છે. રસ્તો બંધ થવાના કારણે નોઇડા અને દિલ્હી વચ્ચે સફર કરનારા લોકો અનેક કલાકો ટ્રાફિકમાં ફસાઇ રહે છે.