નવી દિલ્હી: લોકસભામાં બુધવારે સરોગેસી(નિયામક) બિલ 2016 પાસ થઇ ગયું છે. ભારતમાં સરોગેસીથી ઉભરતી સમસ્યાઓના નિવારણ માટે આ બિલ લાવવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે તમામ સાંસદોએ મહિલા અને બાળકોની ગરિમાને ધ્યાનમાં રાખવા માટે પોતાની વાત સદનમાં કહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ બિલ વ્યાવસાયિક સરોગેસી અને તેની સાથે જોડાયેલા અનૈતિક કાર્ય પર રોક લગાવવા માટે લાવવામાં આવ્યું છે.
આ બિલમાં રાષ્ટ્રીય અને રાજ્ય સરોગેસી બોર્ડનું ગઠન કરવાની વાત પણ કરવામાં આવી છે. તે સિવાય સરોગેસીના નિયમન માટે અધિકારીઓની નિયુક્તિ પણ કરવામાં આવશે. સરોગેસી બિલ માટે એવા દંપતીઓને જ સરોગેસીની અનુમતિ આપશે જે માતા પિતા બનાવા અસક્ષમ હોય અને ગર્ભધારણ કરી ન શકતા હોય તેવા. બિલ પ્રમાણે સરોગેસી માટે ઇચ્છુક વ્યક્તિઓએ ભારતીય હોવું જરૂરી છે. અને લગ્નના ઓછામાં ઓછા પાંચ વર્ષ થયેલા હોવા જોઈએ. તે સિવાય દંપતિમાંથી કોઈએ પણ એક વ્યક્તિએ સાબિત કરવું પડશે કે તે બાળક પેદા કરવાની સ્થિતિમાં નથી.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી નડ્ડાએ કહ્યું કે વ્યાવસાયિક રીતે સરોગેસી માટે ભારતને એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે. આ ધારણાને બદલવાની જરૂર છે. બિલ લાવવાનો ઉદ્દેશ્યો ભારતીય મહિલાઓને પીડાથી બચાવવાનું છે.