મુંબઇઃ પંજાબ નેશનલ બેન્કના એક કૌભાંડમાં કેન્દ્રિય તપાસ એજન્સી સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. વાસ્તવમાં સીબીઆઇએ મુંબઇથી પીએનબીના આઠ અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓને 21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જે આરોપીઓની ધરપકડ કરાઇ છે તેમાં ડિરેક્ટર ઇશ્વર દાસ અગ્રવાલ અને આદિત્ય રસિવાસિયા સામેલ છે.

આ કેસ ચંદેરી પેપર એન્ડ એલાઇડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનો છે. આ કંપનીએ 9.9 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. આ મામલાનો ખુલાસો માર્ચમાં થયો હતો. આ કૌભાંડ પણ પીએનબીની એ શાખામાં થયું છે જ્યાં નીરવ મોદીનો મામલો સામે આવ્યો હતો. તે સિવાય બ્રાન્ચના સિંગલ વિન્ડો સંચાલક મનોજ કરાત, બ્રાન્ચ મેનેજર સંજય કુમાર, અમર જાધવ, સાગર સાવંત, બેચૂ તિવારી, યશવંત જોશી, પ્રફુલ્લ સાંવત, મોહિન્દર કુમાર શર્મા સામેલ છે. નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી પંજાબ નેશનલ બેન્કમાં ફ્રોડનો ખુલાસો થયો હતો. આ કૌભાંડનો આંકડો 13 હજાર કરોડ રૂપિયાની પાર થઇ ગયો હતો. આ મામલાની તપાસ સીબીઆઇ સહિત અન્ય તપાસ એજન્સીઓ કરી રહી છે. છેતરપિંડીના આ કેસમાં મુખ્ય આરોપી હીરા વ્યાપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી છે.