Suryakanta Patil Quits BJP: મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૂર્યકાંતા પાટીલે શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ 10 વર્ષ પહેલા  ભાજપમાં જોડાયા હતા.


તેમણે  લોકસભા ચૂંટણીમાં પાર્ટી પાસેથી ટિકિટ માંગી હતી અને હિંગોલીથી ચૂંટણી લડવા માંગતા હતા. તેમણે હિંગોલી બેઠક પરથી ચૂંટણી લડી ન શકવા અંગે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. હવે તેમણે ભાજપને અલવિદા કહી દીધું છે. તેઓ અગાઉ હિંગોલીના સાંસદ રહી ચૂક્યા છે. બીજેપીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા સૂર્યકાંતા પાટીલે લખ્યું કે, "મેં છેલ્લા 10 વર્ષમાં ઘણું શીખ્યું છે, હું પાર્ટીની આભારી છું.  સૂર્યકાંતા પાટીલ અગાઉ શરદ પવારની NCPમાં હતા તેઓ 2014માં ભાજપમાં જોડાયા હતા.


સીટ વહેંચણીમાં શિવસેનાને હિંગોલી સીટ મળી હતી


મહાયુતિમાં સીટોની વહેંચણી હેઠળ હિંગોલી સીટ એકનાથ શિંદે જૂથની શિવસેનાને આપવામાં આવી હતી. સામાન્ય ચૂંટણી દરમિયાન બીજેપીએ સૂર્યકાંતાને હડગાંવ હિમાયતનગર વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી પ્રમુખ બનાવ્યા હતા. જોકે, શિવસેનાએ હિંગોલી બેઠક ગુમાવી છે અને આ બેઠક ઉદ્ધવ ઠાકરેના જૂથના પક્ષમાં ગઈ છે.


બીજેપીનુ ખરાબ પ્રદર્શન રહ્યું કારણ ?


સૂર્યકાંતા પાટીલ ચાર વખત હિંગોલી-નાંદેડ સીટ પરથી સાંસદ રહી ચૂક્યા છે અને એક વખત અહીંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ યુપીએ સરકારમાં ગ્રામીણ વિકાસ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી હતા. આ સિવાય તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નબળું રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે લોકસભા ચૂંટણી 2024માં ઘણી બેઠકો ગુમાવવી પડી છે. મહારાષ્ટ્રમાં તે માત્ર 9 બેઠકો જીતી શકી હતી જ્યારે છેલ્લી ચૂંટણીમાં તેમણે 20થી વધુ બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. 


લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના કંગાળ દેખાવ બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મહારાષ્ટ્ર કોર કમિટીની બેઠક યોજવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં હારના કારણોની સમિક્ષા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી 2024માં નિરાશાજનક પ્રદર્શનને લઈ નેતાઓએ હારના કારણો અંગે ચર્ચા કરી હતી.