નવી દિલ્હીઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શનિવારે જણાવ્યું કે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ચોકીદાર શબ્દ કેમ લખ્યો છે. સુષ્મા સ્વરાજે કહ્યું કે, તેમણે ટ્વિટર પર પોતાના નામમાં ચોકીદાર શબ્દ એટલા માટે જોડ્યો છે કારણ કે તે વિદેશમાં ભારતીય હિતો અને ભારતીય નાગરિકોની ‘ચોકીદારી’ કરી રહી છે.
સુષ્મા સ્વરાજે આ વાત એક ટ્વિટર યુઝરના સવાલના જવાબમાં આપી હતી. એક સવાલમાં તેમને પૂછવામાં આવ્યું કે, એક વિદેશ મંત્રી અને સૌથી સમજદાર બીજેપી નેતા હોવા છતાં પણ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોતાની નામની સાથે ચોકીદાર શબ્દ કેમ જોડ્યો છે. જેના જવાબમાં સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી જણાવ્યું કે, વિદેશમાં ભારતીય હિતો અને ભારતીય નાગરિકોની ચોકીદારી કરી રહી છું એટલા માટે ચોકીદાર શબ્દ લખ્યો છે.
કોગ્રેસ દ્ધારા ચોકીદાર ચોર હૈના નારા સામે વડાપ્રધાન મોદીએ ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું છે. બાદમાં ભાજપના તમામ નેતાઓએ ટ્વિટર હેન્ડલ પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ જોડ્યો હતો.