નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. મંગળવાર સાંજે જ તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જાણકારી પ્રમાણે સુષ્મા સ્વરાજને હ્રદય રોગનો હુમલાના કારણે નિધન થયું હતું. બીજેપીનાં મોટા નેતાઓ એમ્સ દોડી આવ્યા હતા. સુષ્મા સ્વરાજનાં મોતનાં સમાચાર સાંભળતાં જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. દિગ્ગજ નેતાઓએ સુષ્મા સ્વરાજનાં નિધન પર દુ:ખ વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આજે બપોરે 3 વાગ્યે સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રા નીકળશે અને લોધી રોડનાં સ્મશાન ગૃહમાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બીજેપીનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, 12 વાગ્યાથી 3 વાગ્યા વચ્ચે કાર્યકર્તાઓ અને લોકો દ્વારા અંતિમ દર્શન માટે સુષ્માજીનાં નશ્વરદેહને બીજેપી મુખ્યાલયમાં રાખવામાં આવશે.


તેમણે જણાવ્યું હતું કે, આજે સવારે 11 વાગ્યા સુધી તેમના નશ્વરદેહને તેમના નિવાસસ્થાન પર અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો છે. બપોરે 3 વાગ્યે રાજકીય સમ્માન સાથે સુષ્મા સ્વરાજનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત જાણવા માટે કેન્દ્રિય મંત્રી ડો. હર્ષવર્ધ અને નીતિન ગડકરી એમ્સ પહોંચ્યા હતાં પરંતુ 11:18 મીનિટ પર એમ્સ તરફથી તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી.