નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોરને સતત ચોથી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર તરીકે પસંદ કર્યું છે. કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળાના આંકડા મંગળવારે જાહેર કર્યા હતા. બીજા ત્રિમાસિક (જુલાઈ-સપ્ટેમ્બર)ના સર્વેક્ષણમાં રાજકોટે બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. પ્રથમ (એપ્રીલ-જૂન) ત્રિમાસિક ગાળામાં રાજકોટ પાંચમાં સ્થાન પર હતું.

બીજા ત્રિમાસિક ગાળામાં 10 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા ટોચના પાંચ શહેરોમાં ઈન્દોર બાદ રાજકોટ, નવી મુંબઈ, વડોદરા અને ભોપાલ છે. અમદાવાદને છઠ્ઠું સ્થાન મળ્યું છે અને સુરત 20માં ક્રમે છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં સુરતને ત્રીજું સ્થાન મળ્યું હતું. જ્યારે ભોપાલ બીજા સ્થાન પર રહ્યું હતું. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટોપ પાંચ શહેરમાં ઇન્દોર, ભોપાલ, સુરત, નાસિક અને રોજકોટ હતા.


ઇન્દોર સતત ચૌથી વખત સૌથી સ્વચ્છ શહેર બનતા મેયર માલિની ગૌડે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે “અમારું ઈન્દોર ફરીથી નંબર 1 આવ્યું છે. હવે મુખ્ય પરીક્ષાનો સમય પણ આવી રહી છે. 4 થી 31મી જાન્યુઆરી,2020 સુધી સ્વચ્છ સર્વેક્ષણ 2020 ચાલશે. અમારે આ સર્વેક્ષણમાં પણ પ્રથમ આવવાનું છે અને સ્વચ્છતાનો ચોગ્ગો પણ લગાવવાનો છે.”