Tahawwur Rana: તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડીની કોર્ટની મંજૂરી, હવે ખુલશે મુંબઇ હુમલાના રાઝ

કોર્ટ બહાર CISF ઉપરાંત અન્ય અર્ધલશ્કરી દળોના જવાનો પણ તૈનાત હતા. તેને ખાસ સશસ્ત્ર વાહનમાં કોર્ટમાં લાવવામાં આવ્યા હતા

Continues below advertisement

Tahawwur Rana Extradition: મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ગુરુવારે ભારત લાવ્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આતંકવાદી તહવ્વુર રાણાને 18 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે. NIAએ કોર્ટમાં રાણાના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું કે પૂછપરછ માટે તહવ્વુરના રિમાન્ડ જરૂરી છે.

Continues below advertisement

કોર્ટ બહાર CISF ઉપરાંત અન્ય અર્ધલશ્કરી દળોના જવાનો પણ તૈનાત હતા. તેને ખાસ સશસ્ત્ર વાહનમાં કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે NIA અને RAWની સંયુક્ત ટીમ તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી હતી. NIA ટીમે ગુરુવારે તહવ્વુર હુસૈન રાણાની ઔપચારિક ધરપકડ કરી હતી.

બધા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવશે

NIA ભારતમાં આતંકવાદી નેટવર્ક અને 26/11 હુમલાના કાવતરા સાથે સંબંધિત તમામ પાસાઓ પર તહવ્વુર રાણા પાસેથી માહિતી મેળવવા માંગે છે. NIA એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે 2008ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરને ન્યાયિક પ્રક્રિયાના દાયરામાં લાવવાના વર્ષોના પ્રયાસો પછી આ પ્રત્યાર્પણ થયું હતું. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે USDOJ, અમેરિકન સ્કાઇ માર્શલની સક્રીય સહાયતાથી NIA એ સમગ્ર પ્રત્યાર્પણ પ્રક્રિયા દરમિયાન અન્ય ભારતીય ગુપ્તચર એજન્સીઓ, NSG સાથે નજીકથી કામ કર્યું હતું.

ટ્રમ્પે પ્રત્યાર્પણની જાહેરાત કરી હતી

ફેબ્રુઆરીમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની જાહેરાત આખરે કરવામાં આવી. 14 ફેબ્રુઆરી 2025ના રોજ પીએમ મોદી સાથેની સંયુક્ત કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "અમે એક ખૂબ જ હિંસક વ્યક્તિને તાત્કાલિક ભારત પાછા મોકલી રહ્યા છીએ જેથી તે ભારતમાં કાયદાનો સામનો કરી શકે ." રાણાને અમેરિકાના લોસ એન્જલસમાં મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ શરૂ થયેલી કાર્યવાહી બાદ તેને અમેરિકામાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

તહવ્વુરે પ્રત્યાર્પણ રોકવા માટે કાનૂની માર્ગો અજમાવ્યા

તહવ્વુર રાણાએ પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે અનેક કાનૂની વિકલ્પો અજમાવ્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. કેલિફોર્નિયાની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 16 મે, 2023ના રોજ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તેણે નવમી સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં અનેક દાવા દાખલ કર્યા, જે બધાને ફગાવી દેવામાં આવ્યા. ત્યારબાદ તેમણે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા રિટ, બે હેબિયસ કોર્પસ અરજીઓ અને એક કટોકટી અરજી દાખલ કરી પરંતુ આ પણ નકારી કાઢવામાં આવી હતી.

તહવ્વુર રાણા પર ડેવિડ કોલમેન હેડલી, લશ્કર-એ-તૌયબા (LeT), હરકત-ઉલ-જિહાદી ઇસ્લામી (HUJI) અને અન્ય પાકિસ્તાની આતંકવાદીઓ સાથે મળીને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. 26 નવેમ્બર 2008ના રોજ દરિયાઈ માર્ગે ભારત આવેલા આતંકવાદીઓના એક ગ્રુપે મુંબઈમાં અનેક સ્થળોએ હુમલો કર્યો, જેમાં 166 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં બ્રિટન, ઇઝરાયલ અને અમેરિકાના લોકો પણ હતા.

Continues below advertisement
Sponsored Links by Taboola