તમિલનાડુના કરુરમાં શનિવારે રાત્રે (27 સપ્ટેમ્બર, 2025) અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની ચૂંટણી રેલી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. ભાગદોડમાં ઓછામાં ઓછા 39 લોકો માર્યા ગયા અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Continues below advertisement

Continues below advertisement

વીજળી જતી રહેતાં અંધાધૂંધી સર્જાઈ

સાંજે 7:20 વાગ્યે વેલુસામીપુરમ ખાતે રેલી શરૂ થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે વિજય પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી જતી રહી, જેનાથી સમગ્ર મેદાન અંધારામાં ડૂબી ગયું. હજારો લોકોમાં નાસભાગ મચી ગઈ, જેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ અને ડઝનેક લોકો કચડાઈ ગયા. મૃતકોમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે.

ભીડ મર્યાદા કરતાં બમણી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલીમાં ભીડ પ્રારંભિક અંદાજ કરતાં ઘણી વધારે હતી. વહીવટીતંત્રે ૩૦,૦૦૦ લોકોને આવવાની પરવાનગી આપી હતી પરંતુ સ્થાનિક અહેવાલો દર્શાવે છે કે આશરે 60,૦૦૦ લોકો પહોંચ્યા હતા. સ્થળ મૂળ મધ્ય કરુર માટે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ભીડ અને ટ્રાફિક અંગે ચેતવણી આપ્યા બાદ તેને બદલવામાં આવ્યું હતું.

વહીવટીતંત્રે તપાસનો આદેશ આપ્યો

જિલ્લા વહીવટીતંત્રે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "વીડિયો ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કર્યા પછી જવાબદારી નક્કી કરવામાં આવશે. ભીડ નિયંત્રણમાં સ્પષ્ટ ભૂલ છે."

પીડિતોના પરિવારો માટે વળતર

સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,૦૦૦ રૂપિયાની સહાય આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "તમિલનાડુના કરુરમાં રાજકીય રેલી દરમિયાન બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના અત્યંત દુઃખદ છે. મારી સંવેદના એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું બધા ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."

રાષ્ટ્રપતિ મુર્મુએ પણ સંવેદના વ્યક્ત કરી

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે, "તમિલનાડુના કરુર જિલ્લામાં દુર્ભાગ્યપૂર્ણ ભાગદોડને કારણે થયેલા જાનમાલના નુકસાન વિશે જાણીને મને દુઃખ થયું છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."

કરુર ડીએમકેના ધારાસભ્ય સેન્થિલ બાલાજીએ જણાવ્યું હતું કે જિલ્લાના તમામ ડોકટરો ફરજ પર છે અને અન્ય જિલ્લાઓમાંથી વધારાના તબીબી સ્ટાફને બોલાવવામાં આવ્યો છે. બાલાજીએ ઉમેર્યું હતું કે ભાગદોડમાં ઘાયલ થયેલા લોકોને પણ ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલોને દર્દીઓ પાસેથી પૈસા ન માંગવાની સૂચના આપવામાં આવી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક તપાસ અને તબીબી સહાયનો આદેશ આપ્યો હતો.