Udhayanidhi Stalin: તમિલનાડુ સરકારની કેબિનેટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારે રાજ્યના રાજ્યપાલને યુવા કલ્યાણ અને રમતગમત વિકાસ પ્રધાન ઉધયનિધિ સ્ટાલિનને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત યોજના અને વિકાસ વિભાગ સોંપવાની સાથે નાયબ મુખ્યપ્રધાન બનાવવાની ભલામણ કરી છે. રાજ્યપાલે આ ભલામણોનો સ્વીકાર કર્યો હતો. ઉધયનિધિ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર છે.
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને ઉદયનિધિને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની ભલામણની સાથે સાથે વી. સેંથિલ બાલાજી, ડૉ. ગોવી ચેઝિયાન અને આર. રાજેન્દ્રન, થિરુ એસએમ નાસરનો મંત્રીમંડળમાં સમાવેશ કરવાની રાજ્યપાલને ભલામણ કરી છે. નવા મંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે બપોરે 3.30 કલાકે રાજભવન, ચેન્નઈ ખાતે યોજાશે. તમિલનાડુ સરકારે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર મુક્ત થયેલા સેંથિલ બાલાજીને ફરીથી કેબિનેટમાં સામેલ કર્યા છે.
મુખ્યમંત્રીએ આ મંત્રીઓને હટાવવાની ભલામણ કરી હતી
આ ઉપરાંત સ્ટાલિને દૂધ અને ડેરી વિકાસ મંત્રી ટી. માનો થંગરાજ, લઘુમતી કલ્યાણ અને બિનનિવાસી તમિલ કલ્યાણ મંત્રી કે. એસ. મસ્થાન અને પ્રવાસન મંત્રી કે. રામચંદ્રનને મંત્રીમંડળમાંથી હટાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. રાજ્યપાલે પણ મુખ્યમંત્રીની આ ભલામણને મંજૂરી આપી દીધી છે.
નોંધનીય છે કે તમિલનાડુના સીએમ સ્ટાલિને મંગળવારે સંકેત આપ્યા હતા કે ઉધયનિધિ સ્ટાલિનને રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે અને કેબિનેટમાં ફેરફાર પણ શક્ય છે.
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી