ચેન્નઇઃ કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારે પ્રતિબંધોમાં છૂટ તો આપી છે પરંતુ લોકોને લોકડાઉનમાંથી રાહત મળી નથી. શનિવારે રાજ્ય સરકારે નવ સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે, એક સપ્ટેમ્બરથી રાજ્યમાં ધોરણ નવથી લઇને ધોરણ 12 સુધીની સ્કૂલો શરૂ કરવામાં આવશે. તે સિવાય સોમવારથી રાજ્યમાં 50 ટકાની ક્ષમતા  સાથે થિયેટર્સ  પણ ખોલી શકાશે. જોકે, સ્કૂલ અને થિયેટર્સ શરૂ કરવા માટે રાજ્ય સરકારે કેટલીક શરતો રાખી છે.


સોમવારથી થિયેટર્સ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. તે સિવાય એ જ થિયેટર્સને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે જે થિયેટર્સના કર્મચારીઓને રસી આપવામાં આવી હશે. સરકાર દ્ધારા જાહેર કરાયેલા આદેશ અનુસાર તમિલનાડુમાં એક સપ્ટેમ્બરથી ધોરણ 9 અને ધોરણ 12ની સ્કૂલો શરૂ થશે. આ દરમિયાન સ્કૂલ વહીવટીતંત્ર દ્ધારા કોવિડ પ્રોટોકોલનું પાલન ફરજિયાત રહેશે.


તે સિવાય એક સપ્ટેમ્બરથી કોલેજ અને પોલિટેકનિક સંસ્થાઓ રોટેશનના આધાર પર ખુલશે. આ સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે ફેકલ્ટી અને સ્ટાફના સભ્યોનું રસીકરણ કરવામાં આવે. સરકારના આદેશ અનુસાર બે સંબંધિત વિભાગોના  સચિવો દ્ધારા વિસ્તૃત એસઓપી જાહેર કરવામાં આવશે. સરકારે સમુદ્ર કિનારાઓ, પક્ષીઘરો, પાર્ક અને બોટહાઉસ ખોલવાની પણ મંજૂરી આપી છે અને કહ્યું છે કે સિનેમા હોલ 23 ઓગસ્ટથી 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે.


સ્વિમિંગ પૂલ ટ્રેનિંગના ઉદેશ્યથી ખોલી શકાશે. દિશાનિર્દેશોના પાલન કરતા આંધ્રપ્રદેશ અને કર્ણાટક માટે સાર્વજનિક પરિવહન સેવાની મંજૂરી આપવામાં આવશે. તમામ દુકાનો સોમવારથી રાત્રે 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.


તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સજાગ રહે છે. તેઓ સાયકલ લઇને રસ્તા પર જોવા મળે છે તો ક્યારેક વર્કઆઉટ પણ કરતા જોવા મળે છે. તેઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ જીમમાં વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે.