સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં વન્નિયારોને આપવામાં આવેલા 10.5 ટકા અનામતને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે વન્નિયાર અનામત અધિનિયમ 2021ને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી હતી. વન્નિયારને આપવામાં આવેલ 10.5 ટકા અનામતને રદ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે અમારું માનવું છે કે વન્નિયારને અન્ય લોકોથી અલગ જૂથ તરીકે માનવા માટે કોઈ કારણ નથી. આ અનામત બંધારણની કલમ 14, 15 અને 16 હેઠળ સમાનતાના અધિકાર, ધર્મ, જાતિ, વર્ણ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે ભેદભાવ, જાહેર રોજગારની બાબતોમાં તકની સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.
જસ્ટિસ એલ નાગેશ્વર રાવની બેન્ચે ચુકાદો આપતા અવલોકન કર્યું હતું કે આંતરિક અનામતનો આધાર જાતિ હોઈ શકે છે પરંતુ તે એકમાત્ર આધાર ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નવેમ્બર 1, 2021ના નિર્ણયને માન્ય રાખ્યો છે જે તત્કાલીન AIADMKની આગેવાનીવાળી સરકાર દ્વારા આપવામાં આવેલ વન્નિયાર સમુદાય માટે 10.5% આંતરિક અનામતને રદ કરતો હતો. સુપ્રીમ કોર્ટમાં અરજદારોએ દલીલ કરી હતી કે હાઈકોર્ટનો નિર્ણય કાયદામાં ખોટો હતો અને રાજ્ય વિધાનસભાને સમુદાયને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ક્વોટા આપવાની સત્તા આપવામાં આવી હતી.વન્નીયાર તમિલનાડુની સૌથી પછાત જાતિ છે. રાજ્ય સરકારે આ સમુદાયને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10.50 ટકા અનામત આપી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમારું માનવું છે કે સૌથી પછાત જાતિના બાકીના 115 સમુદાયોમાંથી વન્નિયાર ક્ષત્રિયોને અલગ જૂથ તરીકે વર્ગીકૃત કરવા માટે કોઈ નક્કર આધાર નથી. તેથી 2021નો કાયદો બંધારણની કલમ 14, 15 અને 16નું ઉલ્લંઘન છે. તેથી હાઈકોર્ટનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુ એસેમ્બલીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તત્કાલીન શાસક AIADMK સરકાર દ્વારા રજૂ કરાયેલ બિલ પાસ કર્યું હતું. જેમાં વન્નિયારો માટે 10.5% આંતરિક અનામત આપવામાં આવી હતી. આ પછી, ડીએમકે સરકારે જુલાઈ 2021 માં તેને લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો હતો.