નવી દિલ્હીઃ દેશમાં અનલોક-4નો આજે અંતિમ દિવસ છે. દેશમાં ધીમે ધીમે બધું ખૂલી રહ્યું છે પરંતુ કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના સરેરાશ 85 હજારથી વધારે કેસ અને 1000 મોત દૈનિક નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન દેશના એક મોટા રાજ્યએ લોકડાઉન વધુ એક મહિનો લંબાવવાનો ફેંસલો કર્યો છે.


તમિલનાડુએ દેશમાં 31 ઓક્ટોબર સુધી લંબાવવાની જાહેરાત કરી છે. જોકે આ લોકડાઉનમાં થોડી વધારે છૂટછાટ આપવામાં આવશે.  AIADMKના એક ટ્વિટમાં આ જાણકારી આપવામાં આવી હતી. જોક સરકારે લોકડાઉન દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત ચેન્નઈમાં એરપોર્ટ પર રોજની 100થી વધારે ફ્લાઇટને લેંડ થવાની મંજૂરી આપી છે. સરકારે કહ્યું કે, ફિલ્મ તથા સીરિયલ શૂટિંગમાં 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે.



સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, તમિલનાડુમાં કોરોનાના 46,281 એક્ટિવ કેસ છે. જ્યારે 5,36,209 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તમિલનાડુમાં કોરોનાથી 9453 લોકોના મોત થયા છે.

દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 80,742 કોવિડ-19 કેસ અને 1,179 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 62,25,764 કેસ છે, જેમાંથી 9,40,441 એક્ટિવ કેસ છે અને 51,87,826 ડિસ્ચાર્જ થઈ ગયા છે. ભારતમાં કોરોનાથી 97,497 લોકોના મોત થઈ ચુક્યા છે.