તમિલનાડુ વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. રાજ્યના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ થિયાગરાજને રાજ્યના ઇતિહાસમાં પોતાનું પ્રથમ ઇ-બજેટ રજૂ કર્યું. તમિલનાડુ સરકારે પેટ્રોલ પર ટેક્સ 3 રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની મોટી જાહેરાત કરી છે. તેના કારણે રાજ્યને દર વર્ષે 1160 કરોડ રૂપિયાનું નુકસાન થશે.


આ સિવાય બજેટમાં મહિલા સરકારી કર્મચારીઓની મેટરનિટી રજા 9 મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવી છે. 500 કરોડના ખર્ચે સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જની સ્થાપના કરવામાં આવશે. રાજ્યના તમામ સ્વનિર્ભર જૂથોને 20,000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે વહેંચવામાં આવશે.


નાણામંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ 79,395 નાના ગામોમાં દરેક વ્યક્તિને દરરોજ 55 લિટર શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાના પગલાં લેવામાં આવશે. તેમજ એક લાખથી વધુ વસ્તી ધરાવતા 27 શહેરોમાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં મુકાશે.


AIADMK એ તમિલનાડુ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું


તમિલનાડુમાં મુખ્ય વિપક્ષ AIADMKના ધારાસભ્યોએ વિરોધ તરીકે શુક્રવારે સત્ર દરમિયાન ગૃહમાંથી વોકઆઉટ કર્યું. હકીકતમાં સ્પીકર અપ્પાવુએ વિપક્ષી પાર્ટીને બોલવા ન દીધા જેના કારણે ધારાસભ્યો ગુસ્સામાં વોકઆઉટ કરી ગયા. નાણામંત્રી પલાનીવેલ ત્યાગા રાજન દ્વારા ડીએમકે સરકારના પ્રથમ બજેટની રજૂઆત પહેલા વિપક્ષના નેતા કે પલાનીસ્વામી ઉભા થયા અને બોલવાનું શરૂ કર્યું.


સ્પીકર અપ્પાવુએ પલાનીસ્વામીને પરવાનગી આપવાનો ઇનકાર કરતા કહ્યું કે પલાનીસ્વામી સોમવારે બોલી શકે છે કારણ કે બજેટ પહેલા રજૂ કરવું પડશે. અપ્પાવુએ ત્યારબાદ રાજનને રાજ્યનું પ્રથમ પેપરલેસ ઇલેક્ટ્રોનિક બજેટ રજૂ કરવાનું કહ્યું. વિરોધમાં AIADMKના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું.


દેશમાં વિતેલા 7 વર્ષમાં કેટલી વધી પેટ્રોલની કિંમત ?


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.


2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર