UAV Drone Tapas BH 201: ભારતમાં બનેલું પહેલું સ્વદેશી અદ્યતન રિકોનિસન્સ ડ્રોન એટલે કે માનવરહિત વાહન (UAV) આવતા અઠવાડિયે લોકોની સામે ઉડતું જોવા મળશે. આવતા અઠવાડિયે બેંગલુરુમાં યોજાનારા એરો ઈન્ડિયા શોમાં તપસ ડ્રોન (તપસ BH-201) સૌની સામે પ્રથમ વખત ઉડતું બતાવવામાં આવશે.


એરો ઈન્ડિયા શોમાં DRDOનું તપસ ડ્રોન તેમજ 180 થી વધુ વિમાન ઉડશે. મળતી માહિતી મુજબ, આ એરો શોમાં તપસ-બીએચ પોતાના ગુણો બતાવશે. તપસ ઉપરાંત અન્ય સ્વદેશી લડાયક ડ્રોન ઘટક પણ આ વર્ષે જૂન-જુલાઈમાં તેની પ્રથમ ઉડાન ભરવા માટે તૈયાર છે.


તપસ ડ્રોનની વિશેષતાઓ શું છે?


તપસ (TAPAS)નું પૂરું નામ ટેક્ટિકલ એરબોર્ન પ્લેટફોર્મ ફોર એરિયલ સર્વેલન્સ બિયોન્ડ હોરાઇઝન છે (Tactical Airborne Platform for Aerial Surveillance-Beyond Horizon). ડીઆરડીઓએ જ તે બનાવ્યું છે.


TAPAS ડ્રોનનો ઉપયોગ માત્ર સરહદોની દેખરેખ માટે જ નહીં પરંતુ દુશ્મનો પર હુમલો કરવા માટે પણ થઈ શકે છે. તપસનું ઉત્પાદન 2016થી શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી તેનો ભારતીય સેનામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. માનવામાં આવે છે કે આ ઉડાન બાદ તે જલ્દી જ ભારતીય સેનામાં જોડાઈ જશે.


તાપસ બીએચ 201 ડ્રોન 350 કિલોગ્રામના પેલોડ સાથે ટેક ઓફ કરી શકે છે. તેની લંબાઈ 9.5 મીટર અને પાંખો 20.6 મીટર છે. તાપસ ડ્રોનનું ખાલી વજન 1800 કિલો છે. ડ્રોનને પાવર આપવા માટે, પ્રોટોટાઇપમાં બે NPO Saturn 36T ટર્બોપ્રોપ એન્જિન પાંખો પર લગાવેલા હતા. આ દરેક 100 હોર્સપાવર પહોંચાડવામાં સક્ષમ હતા.


તાપસ ડ્રોનની મહત્તમ ઝડપ 224 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ડ્રોન 1000 કિલોમીટરની રેન્જમાં નજર રાખી શકે છે અને હુમલો કરી શકે છે. એકવાર ઉડાન ભર્યા પછી, આ ડ્રોન 24 કલાક માટે મહત્તમ 35000 ફૂટની ઉંચાઈ પર ફરે છે.


28 હજાર ફૂટની ઉંચાઈ પર 18 કલાકથી વધુની ઉડાન


તપસ ડ્રોનની અન્ય વિશેષતાઓની વાત કરીએ તો તે 28 હજાર ફૂટની ઉંચાઈ પર 18 કલાકથી વધુ સમય સુધી ઉડી શકે છે. તપસ એ મધ્યમ ઉંચાઈ લોંગ-એન્ડ્યુરન્સ (MALE) ડ્રોન છે, જે US MQ-1 પ્રિડેટર ડ્રોન જેવું જ છે.


તપસ એક ડ્રોન છે જે પોતાની જાતે ટેકઓફ અને લેન્ડ કરવાની ક્ષમતા ધરાવે છે. તપસ ડ્રોન પહેલા રૂસ્તમ-2 તરીકે ઓળખાતું હતું. જેની મહત્તમ ઝડપ 224 કિલોમીટર પ્રતિ કલાક હતી. 20.6 મીટરની પાંખવાળા તપસ ડ્રોન 1000 કિલોમીટર સુધી સતત ઉડી શકે છે. તપસ ડ્રોનનો ઉપયોગ દિવસ-રાત સર્વેલન્સ માટે કરી શકાય છે.